વિષ્ણુયાગ, નવચંડી, રૂદ્રયાગ, પૂજા-પાઠ જેવા સત્કાર્યો કરવા શુભઃ જીજ્ઞેશભાઈ પંડ્યામોરબી : કમુરતાનો પ્રારંભ થઈ ગયો છે. તારીખ 15મી ડિસેમ્બરે રાત્રે 10.19 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં સૂર્યના પ્રવેશવાની સાથે જ માંગલિક કાર્યો બંધ થઈ જશે. તેને ખરમાસ અથવા તો કમુરતા કહેવામાં આવે છે. કમુરતા લગભગ એક મહિના સુધી એટલે કે 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ સમયે જ્યોતિષીય કારણોસર શુભ કાર્યો કરી શકાતા નથી. સૂર્ય ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે, પછી જ શુભ કાર્યો શરૂ થઈ શકે છે. 15 જાન્યુઆરીએ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. _________________________________________શુભ કાર્યો કેમ નથી થઈ શકતાં ?હકીકતમાં સૂર્ય ધન રાશિમાં પ્રવેશ્યા બાદ સૂર્યનો પ્રકાશ અને સ્થિતિ બંનેની સ્થિતિ નબળી પડી જાય છે. સૂર્યને તમામ ગ્રહોમાંથી સૌથી બળવાન ગ્રહ માનવામાં આવે છે. તેથી કોઈપણ શુભ અને માંગલિક કાર્ય માટે સૂર્યનું તેજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણે ધનારક કમુરતા દરમિયાન લગ્ન અને માંગલિક કાર્યો કરી શકાતા નથી. સૂર્ય પિતા પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તેમનું તેજ ઓછું થવું માંગલિક કાર્યો કરવા માટે ઉત્તમ માનવામાં આવતું નથી. સૂર્યને લીધે ગુરુની પણ શક્તિ નબળી પડી જાય છે. જેથી કરીને બે મોટા ગ્રહોની શક્તિ ઘટવાના કારણે દરેક શુભકાર્ય કરવામાં સ્થિરતાનો અભાવ રહે છે અને માંગલિક અને શુભ કાર્યોમાં સૂર્ય અને ગુરુનું હોવાનું જરૂરી માનવામાં આવે છે. મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જિજ્ઞેશભાઈ પંડ્યાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધનારક કમુરતામાં ખરમાસ લગ્ન કે લગ્ન સંબંધી શુભ કાર્યો કરી શકાતા નથી. આ સમયગાળા દરમિયાન, નવા મકાનનું નિર્માણ કે ખરીદ-વેંચાણ અને મિલકત સંબંધિત કામ પર પ્રતિબંધ રહે છે. નવો ધંધો શરૂ કરવાને પણ વર્જિત માનવામાં આવે છે. અન્ય શુભ કાર્યો જેવા કે મુંડન વગેરે પણ પ્રતિબંધિત હોય છે. જો કે, કમુરતા દરમિયાન સતકાર્યો કરી શકાય છે. કમુરતામાં જેટલા સતકાર્યો કરો તેનું ફળ સારું છે, કમુરતા દરમિયાન વિષ્ણુયાગ, નવચંડી, રૂદ્રયાગ, પૂજા-પાઠ સહિતના સત્કાર્યો કરવા શુભ મનાય છે._________________________________________