ફોર્ચ્યુનર, થાર, સ્વીફ્ટ અને આઈ 20 ગાડીમાં આવેલ સાત શખ્સોએ અર્ટિકામા તોડફોડ કરીમોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા પાસે અલગ અલગ ચાર ગાડીમાં આવેલ સાત શખ્સોએ જુના ઝઘડાના ખારમાં અર્ટિકા કાર ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરવાની સાથે ચાર વ્યક્તિઓને માર મારતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા અબ્દુલભાઇ ઉર્ફે કાળું ઉમરભાઈ જેડાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી (૧) ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર (૨) રફીક હાજીભાઈ મોવર (૩) ઇકબાલનો ભાણેજ યુસુબ સંધવાણી (૪) જાકીર હબીબ જેડા રહે-બધા ખીરઈ (૫) અવેશ હબીબ જેડા (૬) સબીર જાકીર જેડા (૭) કાળા જાકીર જેડા રહે.ત્રણેય વાંઢ વિસ્તાર રોડ ઉપર માળીયા મિયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના ભાણેજ સદામને આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર રહે.ખીરઈ વાળા સાથે અગાઉ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ઉપરોક્ત સાતેય આરોપીઓ ફોર્ચ્યુનર, થાર, સ્વીફ્ટ અને આઈ 20 જેવી અલગ અલગ ગાડીઓમાં આવી અણીયારી ટોલનાકા નજીક ફરિયાદીની અર્ટિકા કાર ઉભી રખાવી કારમાં તોડફોડ કરી પાવડા, ધારીયા, કુહાડી, ધોકા તથા છરી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદીને ધોકાથી ઇજા કરી તેમજ મારી નાખવાના ઇરાદે ગાડી માથે ચડાવી દઇ સાહેદ હૈદરભાઈને ડાબા પગની ત્રણ આંગળીમા ફેક્ચર તથા સાહેદ મોસીન ઉર્ફે ડીકાને ડાબા પગમા ફેક્ચર તથા સાહેદ નિજામભાઈને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી હતી. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.