કિશોરીઓ પરત ફરતા વાલીઓને હાશકારો, પોલીસને પણ રાહત : બન્ને સ્વસ્થ બન્યા બાદ સાચી હકીકત બહાર આવશે મોરબી : ગત તા.31ના રોજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો-ઓરડીમાંથી અચાનક બે કિશોરીઓ લાપતા બનતા આ મામલે ગઈકાલે લાપતા બનેલ કિશોરીના પિતા દ્વારા સીટી બી-ડિવિઝન પોલીસમાં અજાણ્યા શખ્સ દ્વારા બન્ને દીકરીઓના અપહરણ થયા હોવાની શંકા દર્શાવી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેવામાં જ આજે બન્ને દીકરીઓ ઘેર પરત ફરતા બન્નેના વાલીગણ અને પોલીસને રાહત થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડીઓ વિસ્તારમાંથી ગત તા. 31 ઓગસ્ટના રોજ પ્રતાપભાઈ લાલજીભાઈ મકવાણાની પુત્રી મહિમા અને વિશાલભાઈ ચંપકભાઈ સિરોહીયાની પુત્રી સ્નેહા લાપતા બનતા આ ગંભીર બનાવ મામલે પ્રતાપભાઈ લાલજીભાઈ મકવાણાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ દ્વારા બન્ને દીકરીઓના અપહરણ થયા હોવાની શંકા દર્શાવી ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આજે બપોરના સમયે લાપતા બનેલી આ બન્ને દીકરીઓ અચાનક જ ઘેર પરત ફરતા પ્રતાપભાઈ લાલજીભાઈ મકવાણા અને વિશાલભાઈ ચંપકભાઈ સિરોહીયાના પરિવારજનો રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, બન્ને દીકરીઓ ક્યાં સંજોગોમાં લાપતા બની હતી, કોઈની સાથે ગઈ હતી કે કેમ તે બાબતે હજુ સુધી જોઈ ખુલાસો થયો નથી. હાલમાં પોલીસને પણ બન્નેના પરિવારજનોએ દીકરીઓ સામે ચાલીને ઘેર આવી ગઈ હોવાની જાણ કરવામાં આવી હોવાનું સીટી બી ડિવિઝન પીઆઇ દેકેવાડિયાએ જણાવ્યું હતું. જો કે બન્ને દીકરીઓ સ્વસ્થ થયા બાદ પોલીસ રાબેતા મુજબ તપાસ કરી સત્ય બહાર લાવશે.