બન્ને પક્ષોની ફરિયાદના આધારે તાલુકા પોલીસે 7 લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરીમોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં ગઈકાલે મારામારી અને તોડફોડની ઘટના બની હતી. આ મામલે એક પક્ષે હોટેલ, ઘરે તેમજ વાહનોમાં તોડફોડ કરવા અને માર મારવા અંગે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે બીજા પક્ષે 3 મહિલાઓ સહિત 4 લોકો સામે જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી કુલ 7 લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હોટલમાં તોડફોડ, મારમારી અને 6000 રૂપિયાની લૂંટનીતાબેન પ્રકાશભાઈ કામેજડીયા (ઉ.વ. 38) દ્વારા નોંધાવાયેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સાતમ-આઠમના તહેવારમાં તેમના પતિએ સમાજવાડીમાં જુગાર રમવાની ના પાડતા આરોપીઓને સારું લાગ્યું ન હતું. આ બાબતનો ખાર રાખીને તારીખ 08/09/2026 ના રોજ બપોરે 14:00 થી 14:15 વાગ્યાના સુમારે રફાળેશ્વર રોયલ શોપીંગ કોમ્પ્લેક્ષમાં આવેલી તેમની ચામુંડા હોટલ ખાતે સુલતાન ગીરધરભાઈ વાઘેલા, અજયભાઈ ચૌહાણ અને મુકેશભાઈ કરશનભાઇ પરમાર હાથમાં પાઇપ લઈને આવ્યા હતા. આ શખ્સોએ હોટલની બહાર પડેલી I-20 કાર (GJ-10-DA-0080) અને હોટલની અંદર તોડફોડ કરી હતી. સુલતાન અને અજયે નીતાબેનને પાઇપથી જમણા હાથે અને બંને પગે માર માર્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ બ્યુટી પાર્લર, પાડોશીની રિક્ષા (GJ-36-U-1621), અને સંબંધીના એક્ટિવા (GJ-36-BA-5390) માં પણ તોડફોડ કરી હતી. આરોપીઓ હોટલના ગલ્લામાંથી આશરે 6000 રૂપિયાની રોકડ રકમ પણ લૂંટી ગયા હતા. નીતાબેને ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે મારામારી દરમિયાન તેમના 1.5 લાખ રૂપિયા અને ગળામાં પહેરેલો સોનાનો ચેન ક્યાંક પડી ગયા હતા. આ મામલે પોલીસે BNS કલમ 309(6), 115(2), 351(3), 352, 329(3), 324(4), 54 તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો છે.જાતિવાચક અપમાન અને મારમારીની ફરિયાદસુનિતાબેન ખીમજીભાઈ પરમાર (ઉ.વ. 28) દ્વારા નોંધાવાયેલ ફરિયાદ મુજબ, તેમના નાના ભાઈ અજયને રફાળેશ્વર ગામમાં રહેતા પ્રકાશભાઈ કોળીની હોટલે માથાકૂટ થઈ હતી. આ બાબતનો ખાર રાખીને તારીખ 08/09/2026 ના રોજ બપોરે 15:00 વાગ્યાની આસપાસ રફાળેશ્વર નિશાળ પાસે રોડ ઉપર પ્રકાશભાઈ કોળી, તેમના પત્ની નીતાબેન, ધનીબેન કોળી અને હીનાબેન કોળીએ સુનિતાબેનને રોકીને ગાળો આપી હતી. પ્રકાશભાઈએ જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરી નીતાબેનને સુનિતાબેનને પકડવા કહ્યું હતું અને ત્યારબાદ પ્રકાશભાઈએ માથામાં ધોકો મારી સુનિતાબેનને ઈજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે BNS કલમ 115(2), 352, 54 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(v), 3(2)(va) અને જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Rafaleshwar #CrimeNews #MorbiPolice #FIR #GujaratPolice