પુસ્તક પરબમાં વિષય વૈવિધ્ય ધરાવતા અંદાજે 3000 પુસ્તકોનો ખજાનો: વાંચન શોખ ધરાવતા નાગરિકોને લાભ લેવા ખુલ્લું આમંત્રણ: મોરબી: ગત વર્ષના માર્ચ મહિનાના અંતમાં સૌરાષ્ટ્રમાં કોરોનાએ દેખા દીધા બાદ મોરબીમાં ચાલતું પુસ્તક પરબ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું હતું. જે હાલમાં ફરીથી શરૂ કરાયું છે. સરદારબાગ ખાતે ફરીથી શરૂ કરવામાં આવેલા પુસ્તક પરબને અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. કોરોનાની ગાઈડલાઇન્સને અનુસંધાને પુસ્તક પરબ બંધ કરાયું ત્યારથી વાંચનપ્રેમી નાગરિકોની સતત માંગ હતી કે આ સ્તુત્ય પ્રયાસ ફરી શરૂ કરવામાં આવે. જો કે, હવે પુસ્તક પરબનો પુનઃપ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે પ્રથમ દિવસે જુદા જુદા સમય દરમ્યાન આશરે 500 વાંચનરસિયાઓએ તેનો લાભ લઇ ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે પુસ્તક પરબની યુવા ટીમ પાસે અંદાજે 3000 જેટલા વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબદ્ધ છે અને દિવસે દિવસે તેમાં વધારો થતો જાય છે. મોરબીના લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં વિશિષ્ટ વાંચનભૂખ ઉઘડે અને સારા પુસ્તકો પ્રત્યે લોકો આકર્ષાઈને સુસંસ્ક્રુત તેમજ જ્ઞાનસિદ્ધ બને એ માટે છેલ્લા ત્રણેક વર્ષથી પુસ્તક પરબની યુવા ટીમ સતત કાર્યરત છે.