13 હજારથી વધુ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવાયું મોરબી : મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પુસ્તક પરબ દ્વારા આજરોજ 16 ફેબ્રુઆરીના દિવસે મોરબીના કેસરબાગ ખાતે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 13,000 થી વધારે પુસ્તકોનું પ્રદર્શન ગોઠવ્યું હતું.મહત્વનું છે કે, મોરબીમાં કેસરબાગ લાઇબ્રેરી અને શાક માર્કેટ લાઇબ્રેરીમાં આશરે 13,000 થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. જોકે, લોકો આ લાઇબ્રેરીનો પૂરતો ઉપયોગ કરતા નથી. ત્યારે લોકો પુસ્તક વાંચતા થાય તે માટે આજે આ પુસ્તકોનું એક પ્રદર્શન કેસરબાગ ખાતે ગોઠવવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રદર્શનને મોટી સંખ્યામાં મોરબી વાસીઓએ નિહાળ્યું હતું.આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મોરબીમાં આવેલી બંને લાઇબ્રેરીમાં પુસ્તકોમાં વધારો કરવામાં આવશે. લાઇબ્રેરીમાં આવતા વાચકોને વધુને વધુ સુવિધા મળે તેવા પણ પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે પણ પુસ્તકો રાખવામાં આવશે. કોઈ પાસે પુસ્તકો હોય તો તેઓ પણ આ લાઇબ્રેરીમાં પુસ્તકો આપી શકે છે. અહીંયા મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ પણ પુસ્તકો આપ્યા હતા. આ ઉપરાંત પુસ્તક પરબના સભ્યોએ પણ પુસ્તકો આપ્યા હતા અને પ્રદીપભાઈ વાળાએ પણ 300 જેટલા પુસ્તકો અર્પણ કર્યા હતા.આ અંગે પુસ્તક પરબના ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, સાહિત્ય પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે. પુસ્તક પરબ ઘણા વર્ષોથી લોકોને સારું સાહિત્ય પીરસવાની કોશિશ કરી રહ્યું હતું. હવે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે ત્યારે આપણી પાસે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. લાઇબ્રેરીઓ પણ હવે અપડેટ થઈ રહી છે. ત્યારે પુસ્તક પરબના વાચકો લાઇબ્રેરી સુધી પહોંચે અને લાઇબ્રેરીના વાચકો પુસ્તક પરબ સુધી પહોંચે તેવું વિનવિન સિચ્યુએશન થઈ છે.