ઘણા દિવસથી બૉમ્બ જેવી ડિવાઇસ બનાવતો હતો, કોઈ પૂછતું કે શું બનાવશ તો કહેતો કે રોકેટ બનાવું છું મોરબી : વાંકાનેરના બૉમ્બ પ્રકરણમાં આરોપીએ માત્ર રૂ.3 હજારની જરૂર પુરી કરવા બેટિંગ રાજા મુવીથી પ્રેરાઈને સમગ્ર કાવતરું રચ્યું હોવાનું ખુલ્યું છે. ઉપરાંત તે ઘણા દિવસથી બૉમ્બ જેવી ડિવાઇસ બનાવતો હતો. જો કોઈ પૂછતું કે શું બનાવશ તો કહેતો કે રોકેટ બનાવું છું. વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેટમેક્સ સિરામિકમાં બૉમ્બ જેવી વસ્તુ મળી આવવાના પ્રકરણમાં પોલીસે જીતેન બલરામસીંગ લીધી ઉ.વ.૧૯ ધંધો.મજુરી રે.મુળ ખીરીયા તા.બેગમગંજ જી.ભોપાલ મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી પ્રાથમિક પુછતાછ આદરી હતી.જેમાં જાણવા મળ્યું કે આ આરોપી છથી સાત મહીના પહેલા મોરબી જિલ્લામાં કામ અર્થે આવ્યો હતો. આટલા ઓછા સમયમાં તેને પાંચથી છ કારખાનાઓ ફેરવી દીધા હતા. ક્યાંય પણ એ બરાબર રીતે કામ કરતો ન હોય જેથી તેને કાઢી મુકવામાં આવતો હતો. બાદમાં છેલ્લે તે સેટમેક્સ સિરામિકની નજીક આવેલા કલાસિક નામના કારખાનામાં રહેતો હતો. તેને રૂ. 3 હજારની જરૂર હતી. જેથી તેને સાઉથના બેટિંગ રાજા મુવીમાંથી પ્રેરાઈને નકલી બૉમ્બ બનાવીને ફેકટરી માલિકને ધમકાવી પૈસા પડાવવાનું કાવતરું સૂઝયુ હતું. બાદમાં તેને વાંકાનેર ખાતેની ઇલેકટ્રીકની દુકાનેથી બેટરી, ટાઇમર ધડીયાળની ખરીદી કરી તથા બીજી દુકાનેથી માર્કર, કાગળ વિગેરે વસ્તુઓ ખરીદી પેપરનો રોલ કરી તેને લાલ કલરથી રંગી રોલમાં રેતી ભરી તેની ઉપર બેટરી સર્કીટ તથા વાયરના ટુકડાઓ જોડી ટાઇમર ચાલુ કરી ટાઇમ બોમ્બ જેવું બનાવી કાગળના બોક્સમાં મુકી પાર્સલ તૈયાર કર્યું હતું. આ કાવતરામાં તેને સેટમેક્સ સિરામિકને એટલા માટે ટાર્ગેટ બનાવી હતી કે નજીકના વિસ્તારમાં તે બધા કારખાનામાં કામ કરી ચુક્યો હતો.એક સેટમેક્સ સિરામિક જ એવી ફેકટરી હતી જ્યાં તેને કામ કર્યું ન હતું અને ત્યાં તેને કોઈ ઓળખે તેવી શકયતા ન હતી. વધુમાં તે જ્યારે આબેહૂબ બૉમ્બ જેવી જ ડિવાઇસ બનાવવા મથતો હતો. ત્યારે તેના મિત્રો અને આસપાસના લોકો તેને પૂછતા હતા કે શું બનાવશ? ત્યારે તે એવું કહેતો હતો કે હું રોકેટ બનાવું છું.