પદ્મશ્રી એવોર્ડ વિજેતા શિવા મણિજીએ પોતાના મિત્ર એવા મોરબીના આર્ટિસ્ટ ભાવિક ગજ્જર સાથે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી પર્ફોમન્સ પણ આપ્યુંમોરબી : મોરબીના ખ્યાતનામ ઓક્ટોપેડ આર્ટિસ્ટ ભાવિક ગજ્જરના લગ્ન પ્રસંગે યોજાયેલ રીસેપ્શનમાં ચેન્નાઇમાં વતની અને પ્રખ્યાત બૉલીવુડ મ્યુઝિક ડાયરેક્ટર અને મ્યુઝિક કમ્પોઝર તેમજ પદ્મશ્રી એવોર્ડ વિજેતા શિવા મણિજીએ હાજરી આપી હતી. આ સાથે તેઓએ ભાવિક ગજ્જર સાથે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી પર્ફોમ પણ કર્યું હતું. શિવા મણીજીને વર્ષ 2019માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. તેઓ મોરબીના યુટ્યૂબર અને ખ્યાતનામ ઓક્ટોપેડ આર્ટિસ્ટ ભાવિક ગજ્જરના એકદમ નજીકના પિતાતુલ્ય વડીલ મિત્ર છે. તે બંન્ને કલાકારો મિત્રતાના અનોખા તાંતણે બંધાયેલા છે. પદ્મશ્રી શિવા મણિજી સૌ પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા અને એ પણ મોરબીના આંગણે તેમના મિત્ર ભાવિક ગજ્જરના લગ્ન પ્રસંગે યોજાયેલ રીશેપ્શનમાં પધાર્યા હતા. આ વેળાએ તેઓ પ્રસંગમાં પોતાની કલા પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યાં અને ભાવિક ગજ્જર એ પોતે શીવા મણિજી સાથે ઓક્ટોપેડ પર મધુર સુર રેલાવી મિત્રતાના ઋણાનુબંધને સંગીતના સુરથી વાચા આપી હતી.આ સત્કાર સમારોહના મંચ પરથી પદ્મશ્રી શિવા મણિજી એ જાહેરમાં કહ્યું કે જયારે મને ઇલેક્ટ્રોનિક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટમાં કાંઈ પણ મૂંઝવણ થાય ત્યારે હું અચૂક ભાવિક સાથે ફોન પર વાત કરી માર્ગદર્શન મેળવું છું. આવા સાદગીભર્યા કલાકારે મોરબીના આંગણે આવીને મોરબીના કલાકારને બિરદાવ્યો એ ગૌરવની વાત છે. ઉલ્લેખનીય છે કે ભાવિક ગજ્જરના શુભ પ્રસંગમાં પ્રખ્યાત ગાયક ઓસમાણ મીર પણ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પોતાના મધુર અવાજમાં સંગીતના સૂરો રેલાવી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.