આજે વિશ્વ કઠપૂતળી દિવસ : કઠપૂતળી એટલે કપડું વીંટીને બનાવેલી ઢીંગલીકઠપૂતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્ત્વનું મનોરંજનનું માધ્યમ હતુંમોરબી : બોલ રે કઠપૂતળી, દોરી કોણ સંગ બાંધી.. વિશ્વ કઠપૂતળી દિન દરેક વર્ષના 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કઠપુતળી રંગમંચ પર ખેલાતો સૌથી જૂનો ખેલ છે. આ દિવસની ઉજવણી કરવા માટેનો વિચાર ઈરાનના કઠપુતળી કલાકાર જાવેદ જોલપાઘરીના મનમાં આવ્યો હતો. વર્ષ 2000માં માંડેબુર્ગ ખાતે 18મા યુનિયન ઇન્ટરનેશનલે દે લા મેરીઓનેટે સંમેલન દરમિયાન આ પ્રસ્તાવ વિચાર માટે મૂકવામાં આવ્યો. 2 વર્ષ પછી વર્ષ 2002માં જૂન મહિનામાં એટલાન્ટા ખાતે આ પ્રસ્તાવનો કાઉન્સિલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી પ્રથમ વખત વર્ષ 2003માં કરવામાં આવી હતી.‘એ હાલો કઠપૂતળીનો ખેલ જોવા…’ એક જમાનામાં ગામડાંની કોઈ શેરીમાં આ સાદ પડતાંની સાથે જ ગામ આખું પડદા પાછળથી દોરી વડે લાકડાંની પૂતળીઓને નચાવતો ખેલ જોવા ચોકમાં ઉમટી પડતું. ત્યારે કઠપૂતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્ત્વનું મનોરંજનનું માધ્યમ હતું.સમગ્ર વિશ્વની રીતે જોવા જઈએ તો કઠપૂતળી ઘણી જૂની કલા છે. જેનાં પ્રમાણ ઈ.સ. પૂર્વે પાંચમી સદીનાં પ્રાચીન ગ્રીસમાં જોવા મળે છે. ઈ. સ. પૂર્વે 2000 હજિપ્તમાં પણ દોરીથી સંચાલિત કઠપૂતળીના અવશેષો જાણવા મળે છે. એ ઉપરાંત, ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા વગેરે એશિયાના દેશોમાં હજારો વર્ષ પહેલાં કઠપૂતળી હોવાના પુરાવા મળે છે. કઠપૂતળીની શોધ ભારત અથવા ચીનમાં થઈ હોવાનું મનાય છે.ભારતીય કઠપૂતળીની કલા અત્યંત પ્રાચીન કાળથી ચાલી આવે છે. મુખ્યત્વે લાકડામાંથી બનાવવામાં આવતી હોવાથી આ પૂતળીઓને કાષ્ટ-કાઠ-કઠપૂતળી નામે ઓળખવામાં આવે છે. અલબત્ત, આજે તો જાત જાતની સામગ્રીઓમાંથી આધુનિક પૂતળીઓ બનાવવામાં આવતી હોવા છતાં તેને બોલચાલની ભાષામાં હજુય કઠપૂતળી અથવા અંગ્રેજીમાં પપેટ્સ કહેવાય છે. આ કલામાં જીવંત માનવકલાકારોને બદલે નિર્જીવ કઠપૂતળીઓની મદદથી લોકોને મનોરંજન મળે એ પ્રકારની જાણીતી પૌરાણિક કે ઐતિહાસિક કથાઓ ભજવવામાં આવે છે.આપણે ગુજરાતીઓએ રાજસ્થાની કઠપૂતળીના ખેલ વધારે જોયા છે, કપડાની કઠપૂતળીને દોરા વડે બાંધી આંગળીઓથી નચાવતા બજાણિયા જોયા છે. આ શૈલીની વિશેષતા એ છે કે કઠપૂતળીના પહેરવેશ પરથી ખબર પડી જાય કે કોણ રાજા છે અને કોણ પ્રજા… ગુજરાતમાં કઠપૂતળીને વેઢી-વિષ્ટિકા કહે છે. જેનો મતલબ થાય છે કપડું વીંટીને બનાવેલી ઢીંગલી.પાંચમી સદીમાં રાજસ્થાનમાં પાદલિપ્ત સૂરિ નામના જૈન સાધુ હતા. તેઓ 27 ઔષધીઓનો રસ પગે લગાવીને અદૃશ્ય થઈ શકતા હોવાથી તેમનું નામ પાદલિપ્ત સૂરિ (પાદ એટલે પગ, લિપ્ત એટલે લીંપેલા પગવાળા. આમ, લીંપેલા પગવાળા એટલે પાદલિપ્ત પડેલું. તેમણે ઉનાળાની ગરમીથી બચવા માટે પોતાના માટે એક કઠપૂતળી બનાવી, જે આંખો પણ પટપટાવતી.કઠપૂતળી આરામના સમયે સાધુને હાથથી પંખો નાખતી. સાધુની આ કઠપૂતળીની ખ્યાતિ આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ. જે કેટલાક લોકોને આંખના કણાની જેમ ખૂંચવા લાગી. ઈર્ષાળુઓએ રાજાને ફરિયાદ કરી કે સાધુએ બનાવેલી કઠપૂતળીનો ચહેરો તમારી બહેન જેવો છે. પરિણામે રાજાએ ઉશ્કેરાઈને સાધુને અપમાનિત કરી રાજ્યમાંથી હાંકી કાઢ્યા. અપમાનથી વ્યથિત થયેલા પાદલિપ્ત સૂરિએ કઠપૂતળીને તોડીને રસ્તા પર ફેંકી દીધી અને શાપ આપ્યો કે તારી સાથે જીવનાર હંમેશાં ભૂખે મરશે.