ગત રાત્રે 11 વાગ્યે પુલ ઉપરથી પડતું મુક્યા બાદ ફાયર વિભાગની ટીમે શોધખોળ ચલાવી હતી, અત્યારે રાત્રે 9 વાગ્યે મૃતદેહ મળતા તેને હોસ્પિટલ ખસેડાયોમોરબી : મોરબીમાં પાડા પુલ ઉપરથી ગત મોડી રાત્રે ઝંપલાવનાર યુવકનો અંતે 22 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે. હાલ ફાયરની ટીમે આ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડયો છે. બીજી તરફ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા ઉ.વ.32 નામના યુવકે ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ પાડા પુલ ઉપરથી ઝંપલાવ્યું હતું. બનાવની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આજે સવાર સુધી યુવકની ભાળ મળી ન હતી. જેથી રાજકોટની ફાયરની ટીમ પણ શોધખોળમાં કામે લાગી હતી. ત્યારબાદ આજે રાત્રીના 9 વાગ્યાના અરસામાં આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહને ફાયર વિભાગે હોસ્પિટલ ખસેડયો છે.બીજી તરફ મૃતક રાજેશભાઈ લાલજીભાઈ મકવાણાના ભાઈ જીગ્નેશભાઈ મકવાણાએ બનાવ અંગે જણાવ્યું હતું કે, તેઓ 4 ભાઈ છે. જેમાંથી રાજેશ નાનો ભાઈ હતો. તે અપરણિત હતો. તેને નશો કરવાની આદત હોવાથી ગઈકાલે માતાએ રાત્રીના સમયે ઠપકો આપ્યો હતો. જેથી રાજેશભાઈને માઠું લાગી જતા તેમને ભાઈને ફોન કરી પુલ ઉપરથી પડતું મુકવાનું કહી પાડા પુલ પરથી કૂદી ગયો હતો. તેઓ તુરંત ત્યાં ગયા હતા પણ ત્યાં સુધીમાં રાજેશભાઇ કૂદી ગયા હતા.