મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન નવી પીપળી ગામના ચાર લોકો પાણીમાં ડૂબી જતા બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી એક યુવકનો મૃતદેહ ગઈકાલે મળ્યો હતો જ્યારે અન્ય એક ગુમ યુવકનો મૃતદેહ આજ રોજ 25 સપ્ટેન્બરના રોજ મળી આવ્યો છે. મૃતકનું નામ સોહન રામ (ઉં.વ. 29) હોવાનું જાણવા મળ્યું છે.મહત્વનું છે કે, મોરબી તાલુકાના પીપળી નજીક આવેલી શાંતિનગર સોસાયટીના રહીશો ગણપતિ વિસર્જન માટે જુના સાદુળકા નજીક મચ્છુ નદી ખાતે ગયા હતા.જ્યાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવી પીપળી રહેતા આકાશ માલિયા, મૂળ મહારાષ્ટ્રના આકાશ ગજાનંદભાઈ ખરાત, સોહન રામ અને વિલાસ સુભાષભાઈ ગાયકવાડ અચાનક પાણીમાં ડૂબી જતાં સાથે ગયેલા લોકોની મદદથી આકાશ માલિયા અને આકાશ ખરાત પાણીની બહાર આવી જતા બચી ગયા હતા. જ્યારે સોહન રામ અને વિલાસ ગાયકવાડ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડે પાણીમાં ડૂબેલા બન્ને યુવકોને શોધવા સર્ચ - રેસ્ક્યૂ હાથ ધરતા લાંબી શોધખોળ બાદ વિલાસ ગાયકવાડનો મૃતદેહ મળી ગઈકાલે મળી આવ્યો હતો. જ્યારે સોહન રામનો મૃતદેહ આજે મળી આવ્યો છે.