બે દિવસ પહેલા યુવાન ગુમ થતા ધ્રાંગધ્રા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે ધાંગધ્રાના જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ઉંમર વર્ષ 45 ગત તારીખ 17 ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી. સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી.તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલ મૃતદેહ ધાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.