મોરબી: મોરબીમાં લીલાપર ફિટર હાઉસ પાસે ગઈ કાલે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ આજે મોરબીના બેઠા પુલ પાસેથી મળી આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ આ મૃતદેહ બહાર કાઢ્યો હતો.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ કિશોરભાઈ બચુભાઈ વાઘાણી (ઉ.વ. ૩૪) છે અને તેઓ લીલાપર મહાદેવ કારખાનાની બાજુમાં રહેતા હતા. ગઈકાલે બપોરે ૧૨:૦૫ મિનિટે ફાયર કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે લીલાપર ફિટર હાઉસ પાસે એક વ્યક્તિ ડૂબી ગયો છે. આ કોલ મળતા જ મોરબી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે સઘન શોધખોળ બાદ બેઠા પુલ પાસેથી કિશોરભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.