સાદુળકા ગામ નજીક ગણેશ વિસર્જન સમયે સર્જાઈ હતી કરુણ દુર્ઘટના : ચાર લોકો પાણીમાં ડૂબી જતાં બેને બચાવી લેવાયા હતામોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક ગઈકાલે મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન નવી પીપળી ગામના ચાર લોકો પાણીમાં ડૂબી જતા બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.જ્યારે અન્ય બે લોકો ઊંડા પાણીમાં ગરક થઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવતા મોડીરાત્રે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે હજુ પણ અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે મોરબી તાલુકાના પીપળી નજીક આવેલી શાંતિનગર સોસાયટીના રહીશો ગણપતિ વિસર્જન માટે જુના સાદુળકા નજીક મચ્છુ નદી ખાતે ગયા હતા.જ્યાં સાંજે સાતેક વાગ્યાના અરસામાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવી પીપળી રહેતા આકાશ માલિયા, મૂળ મહારાષ્ટ્રના આકાશ ગજાનંદભાઈ ખરાત, સોહન કુલડિયા અને વિલાસ સુભાષભાઈ ગાયકવાડ અચાનક પાણીમાં ડૂબી જતાં સાથે ગયેલા લોકોની મદદથી આકાશ માલિયા અને આકાશ ખરાત પાણીની બહાર આવી જતા બચી ગયા હતા.જ્યારે સોહન કુલડીયા અને વિલાસ ગાયકવાડ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડે પાણીમાં ડૂબેલા બન્ને યુવકોને શોધવા સર્ચ - રેસ્ક્યુ હાથ ધરતા લાંબી શોધખોળ બાદ વિલાસ ગાયકવાડનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે સોહન કુલડીયાની ભાળ ન મળતા ફાયર વિભાગ દ્વારા હજુ પણ વ્યાપક શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.