કાદવવાળું પાણી હોવાના લીધે રેસ્ક્યુમાં તકલીફ : હાલ ત્રણ બોટ વડે SDRF તથા રાજકોટ અને મોરબી ફાયરની ટિમ દ્વારા શોધખોળ યથાવતમોરબી : મોરબીમાં મચ્છુ નદીના પાડા પુલ ઉપરથી ગઈકાલે બપોરે બે યુવાનોએ ઝંપલાવ્યું હતું. ઘટનાને 18 કલાક વીતવા છતાં હજુ પણ બન્ને યુવાનોના મૃતદેહોની ભાળ મળી નથી. હાલ એસડીઆરએફ અને ફાયરબ્રિગેડ દ્વારા પુરજોશમાં રેસ્ક્યુ ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર તહેવારના દિવસો દરમિયાન ગઈકાલે સવારે 3:30 વાગ્યાના અરસામાં મચ્છુ નદીના પાડા પુલ ઉપરથી બે યુવાનોએ ઝંપલાવ્યું હતું. આ બન્ને યુવાનોની ઓળખ થઈ ગઈ છે. એક યુવાનનું નામ હર્ષદ બળદેવ પારધી (ઉં.વ.20) રહે. વવાણીયા તથા બીજા યુવાનનું નામ અનિલ કનુભાઈ ભાંખોડીયા (ઉ.વ.27) રહે. વીસીપરા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હાલ નદીમાં કાદવનું પ્રમાણ વધુ હોય તેઓ અંદર ખુચી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાને 18 કલાક જેટલો સમય વીત્યો છે. મોરબી ફાયર વિભાગના જયેશભાઇ ડાકીના જણાવ્યા અનુસાર આજે સવારે એસડીઆરએફની ટીમના 22થી વધુ જવાનો મદદે આવ્યા છે. અત્યારે એસડીઆરએફની ટિમ તેમજ રાજકોટ અને મોરબીની ફાયરબ્રિગેડની ટિમો 3 બોટ સહિતના સાધનો વડે મૃતદેહોને શોધી રહી છે. આજે સાંજ સુધીમાં મૃતદેહ મળી જાય તેવી આશા છે. બીજી તરફ નદીમાં ડૂબેલા યુવાનોના પરિવારજનોએ હજુ સુધી મૃતદેહ ન મળતા તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે.