રવિવારે વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત : મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રએ જીવ ગુમાવ્યોમોરબી અપડેટ : મુંબઈના કોસ્ટલ રોડ પર ગઈકાલે રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફ્લાયઓવર પરથી આશરે 75 ફૂટ નીચે BMW કાર ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 યુવાનોનાં મોત નિપજ્યા છે, જ્યારે 1 યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માતમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનું પણ મોત નીપજ્યું છે.કાર મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી ગતિના કારણે ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, ત્યારબાદ BMW ડિવાઇડર સાથે અથડાઈને નીચે ખાબકી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માતમાં ભોગ બનનાર મૃતકો અને ઘાયલોની ઉંમર 17 થી 23 વર્ષની વચ્ચે છે. મૃતકોની ઓળખ શનાય ગજ્જલ (ઉ.વ.21), આદિત્ય જાકાસણીયા (ઉ.વ.19) અને ધૈર્ય સેઠ (ઉ.વ.17) તરીકે થઈ છે, જ્યારે ઘાયલ યુવાનની ઓળખ આદિત્ય ઓસવાલ (ઉ.વ.23) તરીકે થઈ છે. મૃતકોમાં સામેલ આદિત્ય જાકાસણીયા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયાનો પુત્ર છે. ઘનશ્યામભાઈ જાકાસણીયા મૂળ મોરબીના જેતપરના વતની છે. તેઓ બેકબોન નામની કંપની ચલાવે છે, જેની મુખ્ય ઓફિસ અમદાવાદમાં છે અને આ કંપની રોડ અને કન્સ્ટ્રક્શનના કામો કરે છે. મળતી માહિતી મુજબ, આદિત્ય અમદાવાદમાં રહીને અભ્યાસ કરતો હતો. અકસ્માત બાદ ચારેય યુવાનોને નાયર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 3 યુવાનને મૃત જાહેર કર્યા હતા. હાલમાં ઘાયલ એક યુવાન નાયર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, ચારેય યુવાનો વિદ્યાર્થીઓ હતા. જેમાંથી શનાય, આદિત્ય અને ધૈર્ય મેનેજમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતા હતા. શનાય અમદાવાદનો રહેવાસી હતો અને મુંબઈમાં પીજીમાં રહેતો હતો તેમજ આ BMW કાર તેના પરિવારની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફોરેન્સિક ટીમે કારની તપાસ કરીને નમૂનાઓ એકત્ર કર્યા હતા.#MorbiUpdate #Morbi #MumbaiAccident #CoastalRoad #BMWAccident