વાંકાનેરના લુણસર ગામની ઘટનામાં બે શખ્સો સામે નોંધાયો ગુન્હો વાંકાનેર :વાંકાનેરના લુણસર ગામે જમીનની લેતી-દેતી મામલે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ એક પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રામજીભાઇ સવશીભાઇ કટુકીયા (ઉ.વ.45, રહે. લુણસર) એ આરોપીઓ હિતેશભાઇ શંકરભાઇ વસીયાણી, રમેશભાઇ શંકરભાઇ વસીયાણી (રહે. બંને લુણસર, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.11 ના રોજ લુણસર ગામે આરોપીઓ તથા ફરીયાદીને જમીનની લેતી-દેતી બાબતે મનદુખ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઇપ વતી આડેધડ માર મારી તેમજ સાહેદ ફરીયાદીના દિકરા ચેતન અને ફરીયાદીના મોટા દિકરાની પત્ની ભાવનાબેનને લોખંડના પાઇપ વડે હાથે પગે તથા શરીરે મૂઢ ઇજાઓ કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના એ.એસ.આઇ. હકાભાઇ રામજીભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે.