વઘાસિયા ટોલનાકુ બાયપાસ થવા મામલે જવાબદારી ટોલ એજન્સી અને હાઇવે ઓથોરિટીની : જિલ્લા કલેકટરસમાંતર ટોલનાકુ ચલાવવા મામલે પોલીસને ફરિયાદી બનવું પડ્યું : જિલ્લા પોલીસવડામોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકુ બાયપાસ કરી સિદસર ઉમિયાધામના પ્રમુખના પુત્ર અને વઘાસિયા ગામના સરપંચ સહિતના લોકો ગેરકાયદેસર રીતે વાહન ચાલકો પાસેથી નાણાં વસૂલી બંધ પડેલી સિરામિક ફેકટરી તેમજ વઘાસિયા ગામના રેલવે ફાટક નજીકથી ટોલનાકાને આર્થિક નુકશાન પહોંચાડતા હોવા મામલે સોમવારે સાંજે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોફરન્સ યોજી ચોંકાવનારા ખુલાસા કરી સમગ્ર મામલાની જવાબદારી હાઇવે ઓથોરિટી તેમજ ટોલનાકાના કોન્ટ્રાકટરની હોવા છતાં ફરિયાદ કરવા આગળ ન આવતા હોવાનું તેમજ અગાઉ પણ તંત્રએ આ ગંભીર બાબતે પગલાં ભર્યા હોવાનો ખુલાસો કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર બંધ પડેલી ફેક્ટરીમાંથી રસ્તો બનાવી ખાનગી ટોલનાકું શરૂ કરી ગેરકાયદે નાણાં વસુલી સરકારની તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડવામાં આવતું હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થતા જ મોરબી જિલ્લા વહીવટીતંત્ર સોમવારે સવારથી દોડતું થયું હતું અને વાહન ચાલકો પાસેથી ટોલનાકે વસુલાતા રૂપિયા 110થી લઈ 595 સુધીનો વાહન દીઠ ટોલને બદલે 100થી 200 રૂપિયા વસૂલી ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઈટ હાઉસ નામની બંધ પડેલી ફેક્ટરીમાંથી તેમજ વઘાસીયા ગામ પાસેથી પસાર થતી રેલવે ફાટક પાસેથી ગેરકાયદેસર રીતે વાહનો પસાર કરાવતા ફેકટરી માલિક એવા સીદસર ઉમિયાધામ પ્રમુખના પુત્ર આરોપી અમરશીભાઇ જેરામભાઈ વાસજાળીયા રહે.વઘાસીયા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા રહે.વઘાસીયા, હરવિજયસિંહ જયુભા ઝાલા રહે.વઘાસીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ અગ્રણી તેમજ વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે.વઘાસીયા તેમજ તપાસ ખુલે તે તમામ લોકો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર દ્વારા આઇપીસી કલમ 384, 406, 420, 506(2) અને 34 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બીજી તરફ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ સોમવારે સાંજે જિલ્લા કલેકટર જી.ટી.પંડયા અને જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ પત્રકાર પરિષદ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે,નેશનલ હાઇવે ઓથોરિટીને આર્થિક નુકશાન થાય તેવા ટોલનાકુ બાયપાસ કરી વાહન ચાલકો પાસે ઉઘરાણું કરવાની આ ઘટનામાં અગાઉ પણ હાઇવે ઓથોરિટી અને ટોલપ્લાઝા કોન્ટ્રાકટર સાથે સંકલન કરી પગલાં ભરવા તેમજ પોલીસ ફરિયાદ કરવા માટે કહેવામાં આવ્યું હોવા છતાં ટોલ એજન્સી કે હાઇવે ઓથોરિટી આ બાબતે આગળ આવતી ન હોય અંતે આજે પોલીસને ફરિયાદી બનવુ પડ્યું હોવાનું જણાવ્યું હતું.જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ ઉમેર્યું હતું કે, ટોલપ્લાઝાને નુકશાન થાય તેવા કૃત્યને અટકાવવા ટોલનાકાના આસપાસના એરિયામાં બેરીકેટિંગ કરવું, શોર્ટકટ રસ્તાઓ બંધ કરવા કાયમી આડશ ઉભી કરવા તેમજ જ્યારે જ્યારે ટોલનાકા એજન્સી કે હાઇવે ઓથોરિટી ફરિયાદ કરે ત્યારે કલેકટર તંત્રની ટીમ તપાસ કરવા જાય ત્યારે પણ ટોલ એજન્સી કે હાઇવે ઓથોરિટી સહકાર ન આપી તમે તમારી રીતે તપાસ કરો તેવું જણાવતી હોવાનું જણાવ્યું હતું.પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ જાતે ફરિયાદી બની છે અને તપાસ દરમિયાન જે જે લોકોની સંડોવણી ખુલશે તે તમામ વિરુદ્ધ પગલાં ભરવાની સાથે ટોલનાકુ બાયપાસ કરી વાહનો અન્ય રસ્તે પસાર ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત આપવા પણ પોલીસતંત્ર તૈયાર હોવાનું જણાવ્યું હતું.જો કે, છેલ્લા દોઢેક વર્ષથી ગેરકાયદેસર રીતે ટોલનાકુ ઠેકાડવાના આ ખેલમાં મોટા માથાઓ સામેલ હોય તંત્ર પગલાં ન ભરી રહ્યું હોવાના આક્ષેપોનો મારો પણ પ્રેસ કોંફરન્સમા ચાલ્યો હતો પરંતુ વાડ જ ચિભડા ગળે ઉક્તિ મુજબ હાઇવે ઓથોરિટી અને ટોલનાકા કોન્ટ્રાકટર તેમજ સ્થાનિક તંત્ર જ લાજ કાઢી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો.