બગથળા કાંતિપુર રોડ સહિતના અનેક કામોમાં ગેરરીતિની ફરિયાદ બાદ કારોબારી સમિતિ દ્વારા નિર્ણય મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયતના રસ્તા બનાવવાનો કોન્ટ્રાકટ રાખતી પેઢીને નબળા કામો કરવા બદલ બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી, સાથે જ અનેક વિકાસ કામોને મંજૂરી આપી જુના યોજનાકીય કામોને બહાલી આપવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને આજે કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી જેમા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવનાર વિકાસ કામોને લીલીઝંડી આપવાની સાથે સિંચાઈ માટેના કામો મંજુર કરવામાં આવ્યા હતા તેમજ અન્ય કામોને બહાલી આપવામાં આવી હતી. આજની આ બેઠકમાં બગથળા - કાંતિપુર રોડની કામ કરનાર અને અનેક રસ્તાની નબળી કામગીરી કરવામાં આવી હોવાનું જણાતા ડી.બી.સોરઠીયા નામની પેઢીને કારોબારી સમિતિ દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી.