26 રાઉન્ડના અંતે ભાજપ તરફી પેનલના ઉમેદવારો લીડ સાથે આગળ મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં હાથ ધરાયેલ મતગણતરીમાં વેપારી વિભાગમાં ત્રણ બેઠક ઉપર કોંગ્રેસ તરફી અને 1 બેઠક ભાજપ તરફી પેનલને જીત મળી છે. એ જ રીતે ખરીદ વેચાણ સંઘની બન્ને બેઠકો પણ ભાજપ તરફી ઉમેદવારોને ફાળે ગઈ છે. ત્યારે ખેડૂત વિભાગની 10 બેઠકોના પરિણામ આવતા રાત પડશે જો કે અત્યારે 26 રાઉન્ડના અંત સુધીમાં તમામ બેઠક ઉપર ભાજપ તરફી ઉમેદવારોની લીડ મજબૂત હોય ભાજપનો ઘોડો વિનમાં રહે તેવા સંકેતો મળી રહ્યા છે. મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સવારે પ્રથમ ખરીદ વેચાણ સંઘ અને વેપારી પેનલની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખરીદ વેચાણ સંઘ વિભાગમાં ભાજપના મગનભાઈ વડાવિયા અને મનહરભાઈ ગાંડુભાઇ બાવરવાનો વિજય થયો હતો. જયારે વેપારી પેનલમાં કોંગ્રેસ પ્રેરિત છત્રોલા ભરતભાઇ, બાવરવા કિશોરભાઇ અને ઢેઢી શશિકાંતનો વિજય થયો હતો અને એક બેઠક ઉપર ભાજપ પ્રેરિત કેશુભાઇ રૈયાણીનો વિજય થતા વેપારી વિભાગમાં ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનો હાથ મજબૂત થયો હતો. જો કે, ખેડૂત વિભાગની 10 બેઠક માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોય 68 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી રહી છે. ધીમી ગતિએ ચાલતી મતગણતરીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 26 રાઉન્ડ પૂર્ણ થયા છે અને 26 રાઉન્ડના અંતે મોટાભાગની બેઠકો ઉપર ભાજપ તરફી ઉમેદવારો જંગી લીડ સાથે વિજય ભણી આગળ વધી રહ્યા હોય ખેડૂત વિભાગમાં ભાજપનો દબદબો જળવાઈ રહે તેવા સંકેતો મળી રહ્યા છે.