લાઈટ રીપેરીંગની ગાડી ધજા પતાકા લગાવવામાં વ્યસ્ત: શાસકો પાસેથી નાણાં વસૂલવા અને રાજકીય કામગીરી કરતા ચીફ ઓફિસર અને કર્મચારીઓ સામે પગલાં ભરવા કલેક્ટરને રજુઆત મોરબી : મોરબીમાં આજે ભારતીય જનતા પાર્ટીની ગૌરવયાત્રાનું આગમન થઇ રહ્યું છે ત્યારે નગરપાલિકાના વાહનો અને કર્મચારીઓનો શાસક ભાજપ પક્ષ દ્વારા બેફામ ગેરઉપયોગ થઇ રહ્યો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ શાસક ભાજપ પક્ષ પાસેથી વાહન ઉપયોગના નાણાં વસૂલવા અને ચીફ ઓફિસર તેમજ જે કર્મચારીઓ ભાજપની સેવામાં લાગ્યા હોય તેમના વિરુદ્ધ પગલાં ભરવા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી છે. કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, આજરોજ મોરબી શહેરમાં ભાજપને ગૌરવ યાત્રાવી રહી છે ત્યારે ગૌરવયાત્રામાં આવનાર ભાજપના મંત્રી - સંત્રીને સારું લગાડવા માટે મોરબી શહેરમાં ભાજપના ચિન્હ વાળા ધજા - પતાકા લગાવવા માટે ભાજપના શાસકો દ્વારા મોરબી નગરપાલિકાએ પ્રજાના ટેક્સના પૈસાથી ખરીદેલ વાહન અને પ્રજાના કામ માટે નગરપાલિકામાં રાખવામાં આવેલા કર્મચારીનો ગેર ઉપયોગ કરી પોતાના પક્ષની વાહ વાહ કરાવી રહ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, નગરપાલિકાનો લાઈટ રીપેરીંગ કરતા વાહન તેમની સાથે ડ્રાઇવર સહિત ત્રણ કર્મચારી મોરબીની પ્રજાના કામ કરવાને બદલે મોરબી ભારતીય જનતા પક્ષની ઝંડી - પતાકા લગાડવાના કામમાં વ્યસ્ત બન્યા છે. આ સ્થિતિમાં પ્રજાના ટેકસના રૂપિયાનો ગેરઉપયોગ કરવા બદલ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા નગરપાલિકાના વાહનોનો ગેરઉપયોગ કરતા શાસક પક્ષ ભાજપ પાસેથી આ તમામ ખર્ચ વસુલ કરી જવાબદાર ચીફ ઓફિસરની સામે અને ભાજપના ઝંડા લગાવતા કર્મચારી સામે તાત્કાલિક પગલા ભરવા રજુઆત કરી છે.