મોરબી : કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભાજપ દ્વારા જિલ્લા, મહાનગર કે પ્રદેશ કક્ષાએ સન્માન સમારોહ અથવા અન્ય જાહેર કાર્યક્રમ નહીં યોજવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે તમામ કાર્યકર્તાઓને આદેશ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભાજપના સંગઠનના પ્રદેશ, જિલ્લા, મહાનગરના પદાધિકારીઓને તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવનિયુક્ત પદાધિકારીઓને કોરોનાના વધતાં જતાં સંક્રમણને લઈને પદગ્રહણ વખતે ભીડ ભેગી ન કરવી તેમજ સન્માન સમારોહ કે અન્ય સમારોહ ન યોજવા અને જાહેર કાર્યક્રમો ન યોજવા માટે આદેશ કર્યો છે. કોરોનાના વધતાં જતાં સંક્રમણમાં સૌ સરકાર દ્વારા જાહેર કરેલ ગાઈડલાઇનને અનુસરીએ તેવી અપીલ તમામ શ્રેણીના કાર્યકર્તાઓને કરી છે. જ્યાં જરૂર પડે ત્યાં વેક્સિનેશન સહિતની લોક સેવામાં જોડાઈ જવાની હાંકલ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કરી છે. તેમ પ્રદેશ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેએ યાદીમાં જણાવ્યું છે.