મોરબી: મોરબી નગરપાલિકા દ્વારા પ્રજા ઉપર 300% જેટલો વેરો વધારો કરવા કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે ત્યારે આ અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ શાસિત મોરબી નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, પૂર્વ પ્રમુખ એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા, મોરબી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઈ રબારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી નગરપાલિકા વિકાસના નામે વેરો વધારો કરી ભ્રષ્ટાચારથી ખાલી થયેલી તિજોરી ભરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, મોરબી નગરપાલિકા પ્રજાને સુવિધાઓ આપવાના બદલે વિકાસના નામે વેરામાં વધારો કરવા જઈ રહી છે. પ્રજાના ટેક્સના પૈસાનો છેલ્લા બે વર્ષ દરમિયાન નગરપાલિકાના ભાજપના સદસ્યોએ બેફામ ભ્રષ્ટાચાર અને ગેરઉપયોગ કરી પાલિકાની આર્થિક પરિસ્થિતિ ખરાબ કરી દીધી છે. ત્યારે મોરબીના ધારાસભ્ય આ ભ્રષ્ટાચાર કરનાર સદસ્યો સામે ક્યારે પગલાં લેશે તેવો પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે અને છેલ્લા બે વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકાએ વિકાસના કેટલા કામો કર્યા તે પણ પ્રજાને જણાવે તેમ કોંગ્રેસે જણાવ્યું છે.