મોરબીઃ મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયદિપભાઈ સંઘાણીએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે માંગણી કરી છે. જયદિપભાઈ સંઘાણીએ કૃષિ મંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજ્યભરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકામાં પણ વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વધુ વરસાદના કારણે હાલ ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અતિભારે વરસાદના કારણે માળીયા (મી.) તાલુકાના ઘણા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે અને જો હજુ વરસાદ થાય તો તમામ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે. વધુ વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તેથી માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી કરીને ખેડૂતોને નુકસાનનું વળતર ચુકવવામાં આવે.