હિંમત હોય તો શહેરના રાજાશાહી વખતના 11 વોકળા ઉપરના દબાણો હટાવો, પછી સોસાયટીઓમાં નાના માણસના દબાણો તોડો : કોંગ્રેસ નેતાની અધિકારીઓને ચેલેન્જમોરબી : મોરબીમાં ચક્કર રોડ ઉપર આજે મહાપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે એવા આક્ષેપ કર્યા છે કે આ રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના દબાણો પણ છે. વધુમાં તેઓએ મહાપાલિકાના અધિકારીઓને આ દબાણો હટાવવાની ચેલેન્જ આપી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે દબાણ હટાવ કામગીરી ભેદભાવ વાળી ન હોવી જોઈએ, ચક્કર રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના ઘરની આજુબાજુ દબાણો છે. તેને હટાવવા જોઈએ. મોરબીમાં 11 રાજાશાહી વખતના વોકળાઓ છે. તેની ઉપર ભાજપના આગેવાનોએ શોપિંગ બનાવી દીધા છે અને પાર્કિંગ બનાવી દીધા છે. માત્ર સીન સપાટા કરવાની જરૂર નથી. અધિકારીઓ ગમે ત્યાં ડીમોલેશન કરવા પહોંચી જાય છે. જો ખરેખર તમારામાં હિમત હોય અને કામ કરવાની ભાવના હોય તો પહેલા રાજાશાહી વખતના વોકળા પરના દબાણો દૂર કરો, પછી સોસાયટીના અંદરના દબાણો દૂર કરો. જો ચક્કર રોડ ઉપરના તમામ દબાણ નહિ હટે તો હું મહાપાલિકાને લેખિતમાં આપીશ કે કયા આગેવાનનું દબાણ છે અને જે દૂર કરવામાં આવ્યું નથી. આ સાથે અહીંના સ્થાનિક ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે નાના માણસોના મકાનો પાડે છે. મોટા માણસોનું દબાણ પાડતા નથી. અહીં આગળ ગોળાઈમાં 2000 ફૂટના કમ્પાઉન્ડ વારેલા છે. નાના માણસો બોલી શકતા નથી. જેથી તેના જ મકાનો પાડવામાં આવી રહ્યા છે. જો દબાણ હટાવવા જ હોય તો બધાના દબાણો હટાવવા જોઇએ.