મોરબી : સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં અગાઉ આપેલા 4 રૂ.નું ડિસ્કાઉન્ટ રદ કરવામાં આવ્યું છે. જેના લીધે ગેસના ભાવમાં 4 રૂ.નો વધારો થયો છે. ત્યારે આ 4 રૂપિયા વધારો પાછો ખેંચવા મોરબી જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો હમણા 4 દિવસ પહેલા 4 રૂપીયાનો ભાવ વધારો કરવામાં આવેલ છે. એટલે કે પહેલા 4 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાનું ચાલુ કરેલ હતું. એ ડિસ્કાઉન્ટ રદ કરી 4 રૂપિયાનો વધારો કરેલ છે. હાલ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે સિરામિક ઉદ્યોગ ઠપ્પ થઈ ગયેલ હતો પરંતુ ગેસના 4 રૂપિયાના ઘટાડાના કારણે સિરામિક ઉદ્યોગ માંડ કરીને બેઠો થયેલ હતો. તેમજ સિરામિક ઉદ્યોગ ચાઈના સામે ટકી શકે તે માટે ફરીથી આ 4 રૂપિયા વધારો પાછો ખેંચવો જરૂરી છે. હાલ વોલ ટાઈલ્સ બનાવતી ફેકટરીઓ હજુ પણ એના બે છેડા માંડ કરીને ભેગા કરતા હોય છે અને જો ગેસમા આ 4 રૂપિયાનો વધારો પાછો ખેંચવામાં નહી આવે તો વોલ ટાઈલ્સના યુનીટો બંધ કરવાની પરિસ્થિતિમાં આવી જશે. કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા દરેક ઉદ્યોગને આર્થિક તેમજ અન્ય બાબતોમાં પણ ઘણી મદદ કરેલ હોય તો હજુ પણ સિરામિક ઉદ્યોગને બચાવવા માટે ગેસના ભાવમાં ફેરફાર કરવા રાઘવજીભાઈ ગડારાએ અપીલ કરી છે.