હું 25 વર્ષથી ભાજપમાં કામ કરું છું, મારી ટીકીટ ફાઇનલ હતી, ટીકીટ કાપવામાં એક-બે વ્યક્તિનો હાથ : દેવાભાઈ અવાડિયામોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.1માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાની ટિકિટ કપાતા તેમના પુત્ર અમિત અવાડિયાએ પોતાના સમર્થકો અને આખી પેનલ સાથે વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. દેવાભાઈ અવાડિયાએ આડકતરી રીતે પાર્ટીના 1 કે 2 લોકો પર ટિકિટ કાપવાનો આક્ષેપ કર્યો છે અને લોકોના આગ્રહથી અપક્ષ મેદાનમાં ઉતર્યા હોવાનું જણાવી છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ જણાવ્યું હતું કે, વોર્ડના તમામ કાર્યકર્તાઓ અને તમામ જ્ઞાતિના લોકોના કહેવાથી તેમના પુત્ર અમિત અવાડિયા અને આખી પેનલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ પેનલમાં અમિત દેવાભાઈ અવાડિયા, જીજ્ઞાસાબેન અમિતભાઈ ગામી, નિર્મળાબેન મોરારજીભાઈ કંજારીયા અને રાજુભાઈ ચિમનભાઈ રામાવતનો સમાવેશ થાય છે. દેવાભાઈ અવાડિયાએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, 25 વર્ષથી તેઓ પાર્ટીમાં કામ કરી રહ્યા છે, પરંતુ 1 કે 2 વ્યક્તિઓએ રસ દાખવીને તેમની ટિકિટ કાપી છે. હવે કોઈ મનાવવા આવશે તો પણ તેઓ માનશે નહીં અને ચૂંટણી લડીને બતાવશે.દેવાભાઈના પુત્ર મીત અવાડિયાએ જણાવ્યું હતું કે, 26 તારીખે મતદાન છે અને 28 તારીખે પરિણામ છે. ત્યારે વોર્ડ નંબર 1 ની જનતાએ તેમને અપક્ષ લડવા માટે પૂરતી ખાતરી આપી છે. ટિકિટ કપાતા છેલ્લા 4 દિવસમાં 1000 થી વધુ લોકોના ફોન આવ્યા હતા અને લોકોએ જ તેમને અપક્ષ ચૂંટણી લડવા આગ્રહ કર્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 1 ની જનતા અમિત અવાડિયા સિવાય અન્ય કોઈ પક્ષના ઉમેદવારને સ્વીકારવા તૈયાર નથી. અડધી રાત્રે પણ તેમની ઓફિસના દરવાજા લોકો માટે ખુલ્લા જ હોય છે અને ક્યારેય કોઈને ખાલી હાથે જવા દીધા નથી, જેથી જનતા જ તેમને વિજયી બનાવશે.#MorbiUpdate #Morbi #MorbiNews #MorbiNagarpalikaElection #WardNo1 #Election2026 #MorbiPolitics #GujaratNews