મોરબી જિલ્લા ભાજપ અને મોરબી તાલુકા ભાજપે ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરાવીને જીતનો જશ્ન મનાવ્યોમોરબી : ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં ત્રણ રાજ્યોમાં મોદી મેજીકનો કરિશ્મા છવાઈ ગયો હતો. આ ત્રણ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતને પગલે મોરબી જિલ્લા ભાજપ અને મોરબી તાલુકા ભાજપે ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરાવીને જીતનો જશ્ન મનાવ્યો હતો.રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઝંડો ગાળીને ભવ્ય વિજય મેળવતા સમગ્ર ભાજપ છાવણીમાં દિવાળી જેવી ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આથી મોરબી જિલ્લા ભાજપ અને મોરબી તાલુકા ભાજપ દ્વારા ભવ્ય વિજ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શનાળા રોડ ઉપર રામચોક પાસે આવેલ મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ભાજપ અગ્રણી જેઠાભાઈ મિયાત્રા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિતનાએ મીઠાઈથી એકબીજાના મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડી ત્રણ રાજ્યોમાં ભાજપની જીતની ઉમંગભેર ઉજવણી કરી હતી. જ્યારે રવાપર ચોકડી ખાતે મોરબી તાલુકા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને ઉત્સાહભેર મનાવીને ભાજપની જીતનો અશ્વમેઘ સતત આગેકૂચ કરતો રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.