પંચાસરના પ્રજાજનોના પ્રેમને કારણે ઝાલા પરિવારનો સતત ચોથી ટર્મમાં વિજય મોરબી : સામાન્ય રીતે ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ રાજકીય પક્ષ હોય કે અપક્ષ ઉમેદવાર હોય સતત દિવસ-રાત દોડી પ્રચાર કરતા હોય છે. પરંતુ મોરબી તાલુકા પંચાયતના પંચાસર બેઠકના ભાજપના ઉમેદવાર કે તેમના પરિવારના કોઈ પણ સભ્યોએ પંચાસર ગામમાં પ્રચાર કર્યા વગર જ આ બેઠક ઉપર તાલુકામાં સૌથી વધુ મતે વિજય મેળવી સતત ચોથી વખત આ બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ જાળવી રાખવાની સાથે મતદારોમાં ઉમેદવાર પ્રત્યે કેવી લોકચાહના હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. જો કે આ ઝળહળતો વિજય પંચાસર ગામના ગ્રામજનોનો થયો હોવાનું ઝાલા પરિવારે સહર્ષ જણાવ્યું છે. મોરબી તાલુકા પંચાયતની 19-પંચાસર બેઠક ઉપર આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંચાસરના વતની અને સામાન્ય નાગરિકો - મતદારો માટે સતત દોડતા રહેતા વિક્રમસિંહ નાથુભા ઝાલાના ધર્મપત્ની મીનાબા ઝાલાને ટિકિટ આપી હતી. પંચાસર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત સમગ્ર મોરબી જિલ્લામાં સમાજ સેવાથી લઈ ગરીબવર્ગના કામ માટે સતત દોડતા રહેતા આ પરિવાર દ્વારા સંજોગો વસાત આ વખતે ઉમેદવાર તો ઠીક તેમના પરિવારના એક પણ સભ્ય પણ પોતાના ગામ પંચાસરમાં પ્રચાર માટે જઈ શક્યા નથી, માત્ર ટેલિફોનિક સંદેશ થકી જ પંચાસરના મતદારોનો સંપર્ક સાધ્યો હતો. જો કે બેઠક હેઠળ આવતા ગામોમાં પ્રચાર કર્યો હતો અને 1552 મતની લીડથી વિક્રમસિંહ ઝાલાના ધર્મપત્ની વિજેતા બન્યા છે. જે ઝાલા પરિવારની લોકચાહના અને સેવા કાર્યની ફલશ્રુતિ હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પંચાસર બેઠક ઉપરથી વિક્રમસિંહ ઝાલાના પિતા નાથુભા પ્રભાતસિંહ ઝાલા, તેમના ભાઈ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા વિજેતા બન્યા હતા અને તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનના વાવાઝોડા સમયે વિક્રમસિંહ નાથુભા ઝાલા પંચાસર બેઠક ઉપરથી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા અને આ વખતે સતત ચોથી ટર્મમાં વિક્રમસિંહના ધર્મપત્ની મીનાબા વિક્રમસિંહ ઝાલા સમગ્ર તાલુકામાં નોંધપાત્ર લીડ સાથે વિજેતા બની લોકચાહનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહત્વની વાત એ છે કે ભાજપ અગ્રણી વિક્રમસિંહ ઝાલાના ભત્રીજા રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા છેલ્લી બે ટર્મથી પંચાસર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે અને આ માટે પંચાસર ગામના તમામ સમાજના લોકોનો સ્નેહ કારણભૂત હોવાનું જણાવી વિક્રમસિંહ ઝાલાએ તેમના ધર્મપત્નીની જીત માટે પણ ગ્રામજનોનો અપાર પ્રેમ અને સ્નેહ કારણભૂત હોવાનું જણાવી આ જીતના સાચા હક્કદાર પંચાસરના ગ્રામજનોને ગણાવ્યા હતા. કારણકે ગ્રામજનોના અપાર વિશ્વાસ વગર આટલી મોટી જીત મળી ન શકે તેવું તેમને ખુલ્લા દિલે સ્વીકાર્યું છે. વધુમાં પંચાસર બેઠક ઉપર સતત ચોથી વખત વિજેતા બન્યા બાદ વિક્રમસિંહ ઝાલાએ ઉમેર્યું હતું કે તમામ સમાજના મતદારોનો સાથ મળતા અમને જીત મળી છે અને આ જીત માટે ભરોસો અને મિત્રતા કારણભૂત છે મારી પાસે આવેલી કોઈ પણ વ્યક્તિને ક્યારેય નારાજગી મળી નથી અને તમામ જ્ઞાતિ-સમાજ માટે પરિવારની જેમ સંબંધો જાળવી રાખતા લોકોનો પ્રેમ મળ્યો છે, સાથો-સાથ જગત જનની માં શક્તિ માતાજીના આશીર્વાદ થકી જ વિજય મળ્યો હોવાનું જણાવી આ ભવ્ય જીત બદલ તમામ મતદારો, કાર્યકરો અને મિત્રો સ્નેહીજનોનો અંતમાં તેઓએ આભાર વ્યક્ત કર્યો છે.