10થી વધુ ગામોના સરપંચ, આગેવાનો અને લોકો ચક્કાજામમાં જોડાયા : તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ : આ રોડની હાલત એવી કે બાઇક લઈને જનારા ઘરે પરત આવશે કે નહીં તેનું નક્કી નથી રહેતું, ગ્રામજનોએ વ્યક્ત કરી વેદનામોરબી : પીપળીયા ચાર રસ્તા પાસે આજે સાંજે અનેક ગામના સરપંચો અને આગેવાનો તેમજ સામાન્ય લોકોએ એકત્ર થઈને ચક્કાજામ કર્યો છે. અહીં બિસ્માર રોડને પગલે છેલ્લા ઘણા સમયથી લોકો હેરાન થઈ રહ્યા હોય, આજે બધાએ મળીને જનઆંદોલનનો રસ્તો અપનાવી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીપળીયા ચાર રસ્તા આસપાસ હાઈવેની હાલત અતિ ખરાબ છે. જે અંગે અનેક રજૂઆતો કરી પણ કોઈ પરિણામ આવ્યું નથી. રોડ રીપેર તો કરે છે પણ જેવું તેવું કામ કરવામાં આવતું હોવાથી પરિસ્થિતિ ફરી પહેલા જેવી જ થઈ જાય છે. આ હલાકીને કારણે આજે બરવાળા, ખાખરાળા, લૂંટાવદર, નાના દહીંસરા, ગૂંગણ, ડેરાળા, ખેવારિયા, પીપળીયા, માનસર, ખારચિયા સહિતના દશેક ગામોના સરપંચો, આગેવાનો અને સામાન્ય લોકોએ એકત્ર થઈ પીપળીયા ચાર રસ્તા ઉપર સનાતન હોટેલ સામે હાઇવે ઉપર ચક્કાજામ કર્યો છે.વધુમાં સ્થાનિકોએ ઉમેર્યું કે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે પણ રોડની હાલત સુધરી નથી. આ રોડ ઉપર ધૂળ પણ એટલી ઉડે છે. રોડની એક સાઈડમાં મસ મોટા ખાડાઓ હોવાથી બધા વાહન એક સાઈડમાં જ ચાલે છે. જેથી અહીં અનેકવાર અકસ્માત પણ સર્જાયા છે. પરિવારના કોઈ સભ્ય આ રોડ ઉપરથી બાઇક લઈને જવાના હોય ત્યારે તે ઘરે પરત ફરે તો જ ફરે. એટલી જોખમી હાલત છે. અંતમાં સ્થાનિકોએ જણાવ્યું કે ધારાસભ્ય એક વાર પીપળીયા ચાર રસ્તાથી મોરબી સુધી બાઇક લઈને જઈ બતાવે. અહીં બાઇક લઈને જતા હોય ત્યારે જો કોલસા કે પાઉડર કે અન્ય વસ્તુ ભરેલો ટ્રક આગળ હોય ત્યારે તેની પાછળ બાઇક ચલાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે. વધુમાં સ્થાનિકોએ તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ દરમિયાન રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં નહિ આવે તો ફરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.