ખખડધજ જેતપર - પીપળી રોડને ચાલવા યોગ્ય બનાવો, પછી ફોર લેનના બણગા ફૂંકજો : કોંગ્રેસના સરકારને ચાબખા યુદ્ધના ધોરણે રોડની કામગીરી ચાલુ નહિ થાય તો રસ્તા રોકો આંદોલન મોરબી : મોરબીના જેતપર, પીપળી અને અણીયારીને જોડતા માર્ગની ખખડધજ હાલત વચ્ચે સરકારે તાત્કાલિક આ રોડને ફોરલેન બનાવવા ટેન્ડર બહાર પાડતા આજે ગાંધી જયંતિએ કોંગ્રેસ દ્વારા રેલી યોજી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરી પહેલા આ રોડને વાહનોને ચાલવા યોગ્ય બનાવવા માંગ ઉઠાવી હતી અન્યથા રસ્તા રોક આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. આજે ગાંધી જયંતીના અવસરે મોરબી કોંગ્રેસ દ્વારા જેતપર, પીપળી, અણીયારીને જોડતા માર્ગની બિસ્માર હાલત મામલે બાઈક રેલી યોજી વિરોધ પ્રગટ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કાગથરા, મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, કે.ડી.પડસુમ્બીયા, રાજુભાઇ કાવર, મુકેશ ગામી, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો સાથે 50થી વધુ બાઈક ચાલકો આ રેલીમાં જોડાયા હતા. આ તકે કોંગ્રેસે ભાજપ સરકારને આદેહાથ લઈ પહેલા આ રોડને ચાલવા યોગ્ય બનાવી બાદમાં લોકોને ફોરલેનના સ્વપ્ન બતાવવા જણાવી તાકીદે જાહેર કરેલા ફોરલેન ટેન્ડર મુજબ યુદ્ધના ધોરણે રોડ બનાવવાનું શરૂ કરી લોકોને પીડામાંથી મુક્તિ આપવા માંગ ઉઠાવી હતી.