ગત ગુરૂવારથી સમસ્યા ઉદ્દભવતા કચેરીમાં લોકોની કતારો જામવાનું શરૂ : છાશવારે ઉદ્દભવતા પ્રશ્નનો તંત્ર કાયમી ઉકેલ લાવે તેવી માંગમોરબી : આમ તો ડિજિટલાઇઝેશન રંગ લાવી રહ્યું છે. પણ સરકારી વિભાગમાં ડિજિટલાઇઝેશન અરજદારોને ઘણી વખત હેરાન કરી નાખે છે. રાજ્યમાં વારંવાર સર્વરના ધાંધિયાથી અનેક કામગીરીઓ ટલ્લે ચડી રહી છે. હાલ આવુ જ જન્મ મરણના દાખલામાં થઈ રહ્યું છે. જેનું સર્વર ડાઉન થતા કામગીરી અટકી પડી છે. મોરબી સહિત રાજ્યભરમાં જન્મ મરણના દાખલાની કામગીરી સર્વરના ધાંધિયાને કારણે અટકી પડી છે. છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા કચેરીએ લોકો લાંબી કતારો લગાવીને બેસે છે. પણ જન્મ મરણના દાખલાઓ નીકળતા નથી. જે દાખલા નીકળે છે તે પણ કલાકોમાં નીકળે છે. આજે પણ જન્મ મરણના દાખલા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. જન્મ મરણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે ગુરૂવાથી સમસ્યા ઉદભવી છે. એક દાખલો નીકળતા 30 મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે. જ્યારે અમુકવાર વધુ સમય પણ લાગે છે. ઉલ્લેખનીય છે કે સર્વરની સમસ્યા વારંવાર સર્જાઈ છે. આનો કાયમી કોઈ ઉકેલ આવતો નથી. આખા રાજ્યમાં આ સમસ્યા છે. સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.