બહેનને ઉપાડી જવાની ધમકી આપી ચાર વર્ષમાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારથી શહેરમાં શાળાએ આવતી સગીરાનું અપહરણ કરીને તેની બહેનને ઉપાડી જવાની ધમકી આપી વિધર્મી શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિશિપરામા રહેતા બિલાલ નામના આરોપીની તત્કાળ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા શહેરમાં શાળાએ જતી હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બિલાલ આદમભાઈ માણેક (ઉ.વ.22) નામના શખ્સે આંટાફેરા કરી આ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાના મકાને ઉપાડી ગયો હતો. જ્યાં સગીરાની બહેનની ઉપાડી જવાની ધમકી આપી સગીરા ઉપર આ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ ચાર વર્ષના સમયમાં સગીરાને ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પોતાના માણસો તેણીના ઘરે આવીને જોઈ લેશે તેવી આ શખ્સે દમદાટી મારી હતી. આ ગંભીર બનાવની સગીરાએ પોતાના પરિવારને હકીકત જણાવતા અંતે સગીરાની માતાએ હિંમત દાખવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.