ઉમિયા સર્કલ અને ભક્તિ સર્કલ તરફના રોડ ઉપર રેતીના પથારાથી અકસ્માતનું જોખમ મોરબી : મોરબીના ગૌરવપથ ઉપર રેતી અને પાણી ભરાવવાની સમસ્યાનું ગ્રહણ સર્જાયું છે. ગૌરવપથ ગણાતા ઉમિયા સર્કલ અને ભક્તિ સર્કલ તરફના રોડ ઉપર રેતીના પથારાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આથી સંબધિત તંત્ર આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે. મોરબીના કહેવાતા ગૌરવપથની ઘોર દુર્દશા જોવા મળી રહી છે. તંત્રની લાપરવાહીને કારણે આ ગૌરવપથમાં ઘણા સમયથી રેતીનો પથારો ફેલાયેલો છે. જેમાં ગૌરવપથ ગણાતા ઉમિયા સર્કલ અને ભક્તિ સર્કલ તરફના રોડ ઉપર રેતીના પથારાએ અડધો રોડ રોકી લીધો છે. તેથી ખાસ કરીને ટુ વ્હીલર વાહનો આ રેતીના પથારા સ્લીપ થઈ જાય છે અને અકસ્માતનો ખતરો રહે છે. આ ઉપરાંત ઉમિયા સર્કલના છેડે પાણી ભરાવવાની લાંબાસમયથી સમસ્યા છે. વગર વરસાદે બારેમાસ ચોમાસા જેવી હાલત રહે છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી તંત્ર આ ગંભીર સમસ્યા ઉકેલવા નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.