મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાબુંડીયા ગામ નજીક પાવર હાઉસ પાસે ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા આ અકસ્માતમાં બાઈકચાલકને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બાઈકચાલકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી- ૨ સો ઓરડી પાછળ આવેલ માળીયા વનાળીયા સોસાયટી રામદેવપીરના મંદિર સામે રહેતા દિનેશભાઇ આલાભાઇ ચાવડા (ઉ.વ. ૨૮) એ આરોપી ટ્રક નંબર એનએલ 01ક્યુ4691 વાળાનો ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૮ ના રોજ સાંજના પોણા સાતેક વાગ્યા વખતે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાબુંડીયા પાસે પાવર હાઉસ નજીક ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે ગફલત ભરી રીતે બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના ભાઇ જીવણભાઇ બાવજીભાઇ ચાવડાના મોટર સાઇકલ નંબર જીજે ૦૩ ઇજી ૩૨૭૬ વાળા સાથે ભટકાડી રોડમા પાડી દઇ જમણા હાથમા ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા શરીરે ઇજા કરી પોતાના હવાલાવાળો ટ્રક રોડ ઉપર રેઢો મુકી નાશી છૂટ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.