એક તરફ રોડ ઉપર ખાડા, ઉપરથી સ્ટ્રીટ લાઈટો પણ બંધ, અકસ્માતનું મોટું જોખમ : મહાપાલિકાએ પહેલા ખાડા બુરવાની ડ્રાઇવ શરૂ કરવાની તાતી જરૂરમોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસે સ્વામિનારાયણ મંદિરની સામે રોડ ઉપર મસમોટા ખાડાને કારણે ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થતા એક બાઈક ચાલક આ ખાડામાં ખાબકતા તેને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર પડેલો આ ખાડો એટલો ઊંડો અને મોટો છે કે તેમાં ગાડીનું આખું ટાયર પણ ગરકાવ થઈ શકે છે.અકસ્માત બાદ વધુ કોઈ વાહનચાલક આ ખાડાનો ભોગ ન બને તે માટે સ્થાનિક લોકો અને રાહદારીઓએ જાતે જ સુરક્ષાનો મોરચો સંભાળ્યો હતો. લોકોએ કામચલાઉ ધોરણે ખાડામાં મોટા પથ્થરો મૂકી અને આસપાસ આડશ મૂકીને અન્ય વાહનોને ચેતવણી આપી હતી. હાલમાં આ ખાડાની ફરતે સંપૂર્ણપણે આડશ રાખી દેવામાં આવી છે જેથી વાહનચાલકો સાઈડમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શકે અને કોઈ મોટો અકસ્માત ટાળી શકાય.આ અકસ્માત પાછળનું એક મોટું અને ગંભીર કારણ એ પણ છે કે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. અંધારપટ હોવાના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને આ જીવલેણ ખાડો દેખાતો જ નથી. સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે. તંત્રની આ બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વહીવટી તંત્ર વહેલામાં વહેલી તકે આ ખાડો બૂરે અને સ્ટ્રીટ લાઈટો શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #DalwadiCircle #PotholeAccident #RoadSafety #Gujarat #108Ambulance