બાઇક લઈને જતા કડીયાણા ગામના યુવાનના મોતથી પરિવારમાં શોક : ટ્રેલર ચાલક પણ ઇજાગ્રસ્તહળવદ : ચરાડવા ગામ નજીક ગઈકાલે શુક્રવારે મોડી સાંજે ટ્રેલર પલટી ખાઈ જતા બાજુમાંથી પસાર થઈ રહેલ બાઇક ચાલક પર પડ્યું હતું. જેથી ટ્રેલર ચાલક અને બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રત થતા મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે બાઈક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા અજયભાઈ બાબુભાઈ સિહોરા ઉંમર વર્ષ 26 મોરબી સિરામિકમાં કામ કરતા હોય રાબેતા મુજબ ગઈકાલે શુક્રવારે મોડી સાંજના 9 વાગ્યાની આસપાસ ઘરે આવી રહ્યા હતા ત્યારે ચરાડવા ગામના પાદરમાં આવેલ ઇન્ડિયન ઓઇલના પંપ પાસેથી પસાર થતી વેળાએ ગોળાઈમાં મોરબી તરફથી ટાઇલ્સ ભરી આવી રહેલ ટ્રેલર પલટી ખાઈ જતા બાઇક ચાલક અજયભાઈ નીચે દબાઈ ગયા હતા. જોકે આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક અજયભાઈને અને ટ્રેલર ચાલકને ચરાડવા ખાતે આવેલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ મોરબી રીફર કર્યા હતા. તેવામાં અજયભાઈ બાબુભાઈ સિહોરાનું મોરબી ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ટ્રેલર ચાલકની હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી તરફ અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા.