વાડીએ ખેતમજૂરી કરતો યુવાન બાઇકમાં પેટ્રોલ ભરાવા ગયો અને કાળ આંબી ગયો ટંકારા : ટંકારા તાલુકાના હરિપર ગામે વાડીએ રહી ખેતમજૂરી કરતો પરપ્રાંતિય યુવાન રાત્રીના સમયે બાઇકમાં પેટ્રોલ ભરાવા જતો હતો ત્યારે સરાયા ચોકડી નજીક આખલા સાથે ભટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા અન્ય યુવાનને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામે રહી ખેત મજૂરી કરતો યુવાન લોંગસિંહ ડુમા વાસ્કરીયા તેમના સંબંધી વેરસીંહ નાનબુ દેવરકીયા રહે. હાલ. મુકેશભાઈ નરભેરામભાઈ ફેફર રહે-હિરાપર વાળા સાથે સરાયા ગામે પેટ્રોલ પુરાવા બાઈક ઉપર જતા હતા ત્યારે ખુટિયો આડો ઉતરતા અકસ્માત સર્જાતા લોંગસિંહ ડુમા વાસ્કરીયાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે વેરસિંહને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે વેરસિંહની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.