મોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર હોનેસ્ટ હોટલ સામે ડબલ સવારી પલ્સર બાઈકને ટ્રેઇલરે હડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેઠેલ યુવકને માથામાં અને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યો હતો..બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના અંજીયાસર ગામના રહેવાસી બે યુવક ગત તા.5ના રોજ સંબંધીનું પલ્સર બાઈક નંબર જીજે-27-બીસી-1575 આપવા અંજીયાસરથી માળીયા જતા હતા ત્યારે માળીયા હાઇવે ઉપર હોનેસ્ટ હોટલ સામે પહોંચતા ટ્રક ટ્રેઇલર રજી.આરજે-07-જીઈ-2847ના ચાલકે ટ્રક ટ્રેઇલર પુરપાટ ગતિએ અને ગફલતભરી રીતે ચલાવી પલ્સર બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક રમજાનભાઇ નીજામભાઇ મોવરને ગંભીર ઇજા પહોંચાડતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેઠેલા રજાકભાઇ કાદરભાઇ મોવરને માથામાં તથા બંને પગે ઈજાઓ પહોંચતા પ્રથમ માળીયા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. અકસ્માતના બનાવ મામલે મૃતકના ભાઈ ફારૂકભાઇ નીઝામભાઇ મોવર, રહે.ગામ-જુના અંજીયાસર તા.માળીયા વાળાએ ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.