મહિનાના અંત સુધી ગુજરાતમાં માવઠાનો કહેર ચાલુ રહેશે- રમેશ બસિયા ટંકારા : ગુજરાતમાં ઓક્ટોબર મહિનાના અંત સુધી માવઠાનો કહેર યથાવત્ રહેવાની શક્યતા છે. ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસિયાના જણાવ્યા અનુસાર, આ માવઠુ હજુ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આવતીકાલે બે વાતાવરણીય સિસ્ટમની સીધી અસરથી વરસાદના વિસ્તાર અને માત્રામાં વધારો થશે. અરબી સમુદ્રમાં રચાયેલું ડિપ્રેશન સિસ્ટમ હાલ ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે અને 30 ઓક્ટોબર સુધીમાં તે સૌરાષ્ટ્રના કાંઠા નજીક પહોંચી જવાની શક્યતા છે. આના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજકોટ અને મોરબી જિલ્લાના વિસ્તારોમાં વરસાદની અસર વધુ રહેશે. વાંકાનેર, ચોટીલા, સુરેન્દ્રનગર તેમજ મોરબીના રાજકોટ તરફના વિસ્તારોમાં આજ સાંજ સુધીમાં હળવા થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 35 મીમી કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.બીજી તરફ, બંગાળની ખાડીમાં વિકસિત વાવાઝોડું વધુ મજબૂત બની રહ્યું છે અને આજ સાંજ અથવા રાત્રે આંધ્રપ્રદેશના કાંઠે જમીન પર આવશે. ત્યારે પવનની ઝડપ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. જોકે, આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ સીધી અસર થવાની નથી.