જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચૂંટણી આયોગને કરાઈ રજૂઆત : વોર્ડ નં.11ના 4 બુથ વોર્ડ નં.13માં ભેળવવાની માંગમોરબી : આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગત ૨૩/૩/૨૦૨૬ ના રોજ સુધારા મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ મતદારયાદીની એક-એક કોપી રાજકીય પક્ષોને આપવાની હોય છે, પરંતુ આજ દિન સુધી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિને આ યાદી મળી ન હોવાની રાવ કરવામાં આવી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા ગાંધીનગર ખાતે ચૂંટણી આયોગ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મોરબી મહાનગરપાલિકાના વોર્ડની રચના વર્ષ ૨૦૧૧ ની વસ્તીને આધારે કરવામાં આવી હોવાથી વોર્ડમાં આવતા કુલ મતદારોની સંખ્યામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. મોરબી મહાનગરપાલિકામાં કુલ અંદાજિત ૨,૦૭,૦૦૦ મતદારો છે, જે મુજબ સરેરાશ એક વોર્ડમાં ૧૬,૦૦૦ મતદારો થવા જોઈએ. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ૨૦% ફેરફાર સાથે ૧૮ થી ૧૯ હજાર મતદારો હોય ત્યાં સુધી કોંગ્રેસને કોઈ વાંધો નથી.જોકે, રજૂઆતમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૧ માં કુલ મતદારોની સંખ્યા ૨૪,૪૭૧ જેટલી છે, જે ચૂંટણી પંચની ગાઈડલાઈન કરતા ઘણી વધારે છે. બીજી તરફ, વોર્ડ નં. ૧૩ માં માત્ર ૧૫,૨૩૬ જેટલા મતદારો છે. સીમાંકન મુજબ વોર્ડ નં. ૧૧ અને ૧૩ એકબીજા સાથે જોડાયેલા છે. તેથી, જો વોર્ડ નં. ૧૧ ના બુથ નં. ૧૯/૨૫, ૨૦/૨૫, ૨૧/૨૫ અને ૨૨/૨૫ ને વોર્ડ નં. ૧૩ માં સમાવી લેવામાં આવે તો બંને વોર્ડનું બેલેન્સ જળવાઈ શકે તેમ છે. આ મામલે વોર્ડ નં. ૧૧ અને ૧૩ ની મતદારોની સંખ્યા બેલેન્સ કરવા માટે ઘટતી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #MorbiElection #Congress #GujaratPolitics #MorbiNews