કોંગ્રેસમાં જુના કાર્યકરોની અવગણના કરી પૈસા લઈને ટિકિટો વેચાતી હોવાનો આરોપ મૂકી ધારાસભ્ય કગથરાના અત્યંત વિશ્વાસુ ગણાતા જયેશ કાલરીયાએ કર્યા કેસરિયા મોરબી : સ્થાનિક ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અને રાજકીય ચડાવ ઉતાર જોવા મળ્યા છે. જેમાં આજે સૌથી મોટી ચોકવાનારી ઘટનામાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના અત્યંત વિશ્વાસુ ગણાતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મંત્રી તરીકે ફરજ બજાવતા મોરબીના યુવા કોંગી આગેવાન જયેશ કાલરીયાએ આજે સાંજે કોંગ્રેસમાં જુના કાર્યકરોની અવગણના કરી પૈસા લઈને ટિકિટો વેચાતી હોવાનો આરોપ મૂકી કોંગ્રેસ છોડીને વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જયેશ કાલરીયાના કેસરિયાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જયેશ કાલરીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું મેં હું છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસમાં સેવા બજાવી રહ્યો હતો. પરંતુ મારા જેવા અનેક જુના અને સંનિષ્ઠ કાર્યકરોની કોંગ્રેસના આગેવાનોએ અવગણના કરીને તેમને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ટીકીટ આપવના બદલે કોંગ્રેસના આગેવાનોએ સગાવાદ અને પૈસા લઇને ટિકિટો આપી છે. જેથી હું મારા કાર્યકરો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યો છું. મેં કોઈ પણ શરત વગર ભાજપ જોઈન કર્યું છે. આ સ્થાનિક ચૂંટણીમાં હું અને મારી ટીમ ભાજપના ઉમેદવારોના વિજય માટેના પ્રયત્નો કરીશું. જયેશ કાલરીયા પ્રદેશ કોંગ્રેસ કમિટી સાથે જોડાયેલા હતા. અને મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન ધારાસભ્ય લલિત કગથરાના નજીકના અને વિશ્વાસુ હતા. ત્યારે તેમણે આજે મોરબી જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં ભાજપ પ્રવેશ કરી કોંગ્રેસને મોટો આંચકો આપ્યો છે.