રાજકોટની પ્રેમિકા નગમાએ લગ્ન કરવા દબાણ કરતી હોય સોડિયમ નાઇટ્રેટ પીવડાવી કરી હતી હત્યા ; ભુવાની પત્ની અને ધમલપરના યુવાન સહિતના ચાર વિરુદ્ધ ગુન્હો દાખલવાંકાનેર : મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને અમદાવાદ રહેતા તાંત્રિક ભુવા નવલસિંહે સોડિયમ નાઇટ્રેટ પીવડાવી બાર - બાર લોકોની હત્યા કરી નાખવાના ચકચારી કેસમાં આ ભુવાએ તેની રાજકોટ રહેતી પ્રેમિકા નગમાને પણ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી ઠંડા કલેજે હત્યા કરી નાખી પત્ની અને સાગરીતોની મદદથી નગમાની લાશના કટકા કરી વાંકાનેરના ધમલપર ગામ નજીક લાશને દાટી દેવાના કિસ્સામાં વાંકાનેર પોલીસે લાશના ટુકડા શોધી કાઢી ભુવા તેમજ તેની પત્ની અને અન્ય બે મળી કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.તાંત્રિક વિધિના નામે લોકોને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને અમદાવાદમાં રહેતા નવલસિંહ કનુભાઈ ચાવડા નામના કહેવાતા ભુવાએ અમદાવાદના જ એક ફેકટરી માલિકને રૂપિયા ચાર ગણા કરી દેવાની લાલચ આપી બાદમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવી હત્યા કરી રૂપિયા લઈ નાસી જવાની યોજના બનાવી હતી જેમાં પોલીસની સતર્કતાથી ભુવો પકડાઈ જતા ભુવા નવલસિંહ કનુભાઈ ચાવડાએ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી અગાઉ અનેક હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. જેમાં રાજકોટ રહેતી તેની પ્રેમિકા નગમા કાદરભાઈ મુકાસમ લગ્ન કરવા દબાણ કરતી હોય માર્ચ મહિનામાં પત્ની સહિતના સાગરીતો સાથે મળી હત્યા કરી લાશના ટુકડા કરી વાંકાનેરના ધમલપર નજીક લાશને દાટી દીધાની પણ કબુલાત આપી હતી. જો કે, બાદમાં અમદાવાદ પોલીસ કસ્ટડીમાં જ ભુવાનું ઉલટી થયા બાદ મોત થતા પોલીસ પણ ધંધે લાગી હતી.બીજી તરફ ભુવા નવલસિંહ કનુભાઈ ચાવડાએ નગમાની હત્યા કરી લાશ વાંકાનેરના ધમલપર નજીક દાટી દેવા પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કરી વાંકાનેર સીટી પોલીસે ધમલપર નજીકથી લાશ કબ્જે કરી હતી. આ ચકચારી બનાવમાં ખુદ વાંકાનેર સીટી પોલીસ મથકના પીએસઆઇ જીતેન્દ્રસિંહ લખુભા ઝાલા ફરિયાદી બન્યા છે અને રાજકોટની નગમાની વઢવાણ ખાતે હત્યા કરી લાશના ટુકડા કરી ધમલપર ખાતે દાટી દેવા પ્રકરણમાં આરોપી મૃતક ભુવા નવલસિંહ કનુભાઈ ચાવડા, મૃતક ભુવાની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા, જીગર ભનુભાઈ ગોહિલ અને વાંકાનેરના ધમલપર ગામે રહેતા શક્તિરાજ ભરતભાઇ ચાવડા વિરુદ્ધ નગમાની હત્યા અને લાશના ટુકડા કરી દાટી દેવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.વધુમાં પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે મૃતક નગમાને મૃતક ભુવા નવલસિંહ સાથે પ્રેમ હોય લગ્ન કરવા દબાણ કરતી હોય પરંતુ ભુવો લગ્ન કરવા માંગતો ન હોય વઢવાણ ખાતે બોલાવી સોડિયમ નાઈટ્રેટ પાવડર પીવડાવી બેભાન કરી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશના ટુકડા કરી કોથળામા પેક કરી ગાડીમાં વાંકાનેરના ધમલપર ગામે લાવ્યો હતો જ્યાં અગાઉથી ખાડો ખોદાવી રાખ્યો હોય લાશને દાટી દીધી હતી. સાથે જ આરોપીઓએ ધમલપર રેલવે ફાટક પાસે નગમાની લાશ ઉપર નમક માટી નાખી લાશ કોહવાઈ જાય તે માટે પુરાવાનો નાશ કરવા વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે નગમાના પરિવારજનોને પણ ભુવાએ સોડિયમ નાઈટ્રેટ આપી પડધરી નજીક મોતને ઘાટ ઉતારી નાખ્યા હોવાનું અમદાવાદ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.