દ્વારિકા, હરિદ્વાર, કાશી અને રામેશ્વરની યાત્રાઓ પગપાળા કરી ચૂકેલા ભુદરભાઈ આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત મોરબી : હાલની ભાગદોડ વાળી જીવન શૈલીમાં લોકોને વાહન વગર એક મિનિટ પણ ચાલતું નથી. બેઠાડું જીવન પદ્ધતિને કારણે અને વાહનોની વિપુલ સુખ સુવિધાને કારણે લોકો ચાલવાનું મહાત્તમ ભૂલી ગયા છે ત્યારે મોરબીના ભરતનગર ખાતે રહેતા એક પ્રોઢે મોરબીથી જગન્નાથપુરીની યાત્રા ચાલીને પુરી કરી છે. યાત્રા સંપન્ન કરીને પરત ફરતા ભરતભાઈનું પરિવાર, સગા-સ્નેહીઓ અને ગ્રામજનોએ આદર પૂર્વક સ્વાગત કર્યું હતું. મોરબી તાલુકાનાં ભરતનગર ગામના ભુદરભાઈ પ્રભુભાઈ ગોધાણી નામના પ્રૌઢ વ્યક્તિ ભરતનગરથી જગન્નાથપુરીની 1900 કિલોમીટરની પગપાળા યાત્રા તાજેતરમાં જ પુરી પરત ફર્યા હતા. તારીખ 14/10/2019ના રોજ ભરતનગરથી શરૂ કરેલી યાત્રા 50 દિવસમાં એટલે કે 5/12/2019ના દિવસે પુરીમાં સંપન્ન થઈ હતી. આ અગાઉ બે વર્ષ પહેલાં તેઓએ 2100 કિલોમીટરની રામેશ્વર પદયાત્રા યાત્રા 58 દિવસોમાં પુરી કરી હતી. તારીખ 05/01/2018થી 05/03/2018 સુધી આ યાત્રા તેઓએ સંપન્ન કરી હતી. રામેશ્વર, કાશી, હરદ્વાર, જગન્નાથપુરી, દ્વારકા સહિતના ધાર્મિક સ્થાનોની પદયાત્રા કરનાર ભુદરભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે પદયાત્રા કરે છે ત્યારે તેમણે જણાવ્યું કે 'ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે.' ભુદરભાઈ જ્યારે પદયાત્રા પર હોય ત્યારે એક વાહનમાં રાશન-સીધુ સાથે રાખે છે. બહારનું આચર-કૂચર કશું આરોગતા નથી. દ્રઢ મનોબળ, સાહસ વૃત્તિ અને શારીરિક ક્ષમતાના મલિક ભરતભાઇ આજની પેઢી માટે ઉદાહરણીય કાર્ય કરી રહ્યા છે.