મોરબી અપડેટ : ભારતીય મજદૂર સંઘ દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રોજ આવતી વિશ્વકર્મા જયંતીને 'રાષ્ટ્રીય શ્રમિક દિવસ' તરીકે ઘોષિત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ભારતીય મજદૂર સંઘના મોરબી જિલ્લા મહામંત્રી પ્રણવભાઈ નલિનભાઈ ઠાકર દ્વારા મોરબી મામલતદાર મારફતે વડાપ્રધાનને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, 17 સપ્ટેમ્બરના રોજ ભગવાન વિશ્વકર્મા દાદાની જન્મજયંતી હોય છે, અને ભગવાન વિશ્વકર્મા શ્રમિક જગતના આરાધ્યદેવ તરીકે પૂજાય છે. આ દિવસે કારીગર વર્ગ જેવા કે લુહારીકામ, સુથારીકામ, કડિયાકામ અને હસ્તકલાના કારીગરો પોતાની મૂળભૂત કામગીરીથી મહદ અંશે દૂર રહીને વિશ્વકર્મા દાદાની જન્મજયંતીની ઉજવણી કરતા હોય છે.વધુમાં જણાવાયું છે કે, ભારતીય મજદૂર સંઘ પણ આ દિવસે વિશ્વકર્મા દાદાનું પૂજન-અર્ચન, શોભાયાત્રા, શ્રમિક વસ્તીમાં સેવા કાર્ય અને પોતાના કાર્યકર્તાઓ સાથે નાની-મોટી વિચાર ગોષ્ઠી જેવા વિવિધ કાર્યક્રમો યોજીને વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરે છે. શ્રમિકોની આ આસ્થા અને પરંપરાને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #BharatiyaMazdoorSangh #VishwakarmaJayanti #ShramikDivas #NationalLabourDay