33 શાળાઓના વિદ્યાર્થીઓએ લીધો ભાગ, સાર્થક વિદ્યામંદિર અને સરદાર પટેલ વિદ્યાલય વિજેતામોરબી અપડેટ: ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા ગત તા. 20 સપ્ટેમ્બર 2026 ને રવિવારના રોજ નીલકંઠ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં દેશના ગૌરવશાળી ઈતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય ભાવનાનું જ્ઞાન વધે તે હેતુથી 'ભારત કો જાનો' મૌખિક પ્રશ્નમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદેમાતરમ્ ગાન સાથે કરવામાં આવી હતી.આ જ્ઞાનવર્ધક સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની 23 અને માધ્યમિક વિભાગની 10 એમ કુલ 33 શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિવિધ રાઉન્ડમાં યોજાયેલી આ રોમાંચક પ્રશ્નોત્તરી સ્પર્ધાના અંતે પ્રાથમિક વિભાગમાં સાર્થક વિદ્યા મંદિર (મોરબી) અને માધ્યમિક વિભાગમાં સરદાર પટેલ વિદ્યાલય (બંગાવડી) એ પ્રથમ ક્રમ મેળવી વિજેતા બની હતી. મૌખિક પ્રશ્નમંચ સ્પર્ધામાં વિજેતા બનેલી ટીમોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.સ્પર્ધા પૂર્ણ થયા બાદ ઈનામ વિતરણ અને સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં અગાઉ શાળા કક્ષાએ યોજાયેલી લેખિત પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા 86 જેટલા બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઉપયોગી શૈક્ષણિક સામગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ જોશી, સુમિતભાઈ સંધાણી, રાજેશભાઈ મોકાસણા, ગોપાલભાઈ મૂછડીયા, મનહરભાઈ કુંડારીયા, કૌશિકભાઈ અઘારા, ડો. જયેશભાઇ પનારા, મહાદેવભાઈ રંગપરીયા અને અમરીશભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સ્પર્ધામાં પ્રશ્નોત્તરીની વ્યવસ્થા હિરેનભાઈ ધોરિયાણી અને રાજુભાઈ ડાંગરે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિનુભાઈ મકવાણાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ સંયોજક પંકજભાઈ ફેફર, અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા અને કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં ચિરાગભાઈ હોથી દ્વારા આભારવિધિ કરાઈ હતી અને રાષ્ટ્રગાન 'જન ગણ મન' તથા અલ્પાહાર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #BharatVikasParishad #BharatKoJano #QuizCompetition #Education #NilkanthVidyalaya