સાયબર ઠગોનો નવો કીમિયો : નેતાઓ અને ઉદ્યોગપતિઓના મોબાઈલ હેક કરી તેમના તમામ કોન્ટેક્ટ્સને લગ્નની કંકોત્રીની APK ફાઇલ મોકલાઇ છે, જે લોકો આ ફાઇલ ખોલે છે તે શિકાર બની જાય છેમોરબી અપડેટ : ડિજિટલ યુગમાં સાયબર ઠગ દ્વારા લોકોને છેતરવા માટે રોજ નવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. હવે સાયબર ફ્રોડનો એક નવો જ ટ્રેન્ડ સામે આવ્યો છે, જેમાં વોટ્સએપ પર લગ્નની કંકોત્રી મોકલીને લોકોના બેંક એકાઉન્ટ સાફ કરી દેવામાં આવે છે. ખાસ કરીને નેતાઓ, ઉદ્યોગપતિઓ અને મોટા આગેવાનોના મોબાઈલ ફોન હેક કરીને આ ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સાયબર ગઠિયાઓ સૌપ્રથમ કોઈ આગેવાન કે મોટા વ્યક્તિનો મોબાઈલ હેક કરે છે. ત્યારબાદ તેમના વોટ્સએપ મારફતે તેમના તમામ કોન્ટેક્ટને એક મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજમાં ગુજરાતીમાં લખાણ અને એક ફાઇલ હોય છે. તેમાં લખ્યું હોય છે કે 'અમારા પરિવારમાં એક ખૂબ જ શુભ અને આનંદનો પ્રસંગ આવવાનો છે... અમારું લગ્નનું આમંત્રણ પત્ર સાથે જોડેલ છે.' આ મેસેજની સાથે મોકલવામાં આવતી ફાઇલ વાસ્તવમાં કોઈ PDF કે ઇમેજ હોતી નથી, પરંતુ તે એક WEDDING_INVITATION.apk ફાઇલ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ કંકોત્રી સમજીને ફાઇલ ખોલવાનો કે ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે અજાણી એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને ગણતરીની મિનિટોમાં જ તેના બેંક એકાઉન્ટમાંથી ધડાધડ પૈસા ઉડી જાય છે.સામાન્ય રીતે સાયબર ફ્રોડ કરનારાઓ મોટા વ્યક્તિઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં જ મોરબીના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ વરમોરાનો મોબાઈલ આ જ રીતે હેક થયો હતો. આ ઘટના બાદ આજે રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાનો પણ મોબાઈલ હેક થતા તેમના તમામ કોન્ટેક્ટમાં આવી જ કંકોત્રી મોકલવામાં આવી હતી.લોકોને અપીલ કરવામાં આવે છે કે વોટ્સએપ પર કોઈપણ જાણીતા કે અજાણ્યા નંબર પરથી આવતી APK ફાઇલ ક્યારેય ઓપન કરવી નહીં અને ડાઉનલોડ પણ ન કરવી, નહીંતર સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો.#MorbiUpdate #CyberFraud #CyberCrime #MorbiNews #RajkotNews #FakeInvitation #CyberSecurity #Alert