વાડી વિસ્તારમાં એક-એક બાટલામાંથી 2 થી 4 કિલોગ્રામ ગેસ ચોરવામાં આવતો હોવાથી પાલિકાના કાઉન્સિલરે વિડીયો વાયરલ કર્યો : ગેસ એજન્સી બચાવની ભૂમિકામાં મોરબી : મોરબી શહેરમાં ગેસ એજન્સીના ડિલિવરીમેન દ્વારા રાંધણગેસના બાટલામાંથી મોંઘા ભાવનો ગેસ ચોરી કરી ગ્રાહકોને ઓછા વજનના બાટલા ધબડવામાં આવતા હોવાનું જગજાહેર છે ત્યારે વોર્ડ નંબર -11ના વાડી વિસ્તારમાં આવી સામુહિક ફરિયાદોનો ધોધ વછૂટતાં વોર્ડ નંબર 11ના ભાજપના જાગૃત અગ્રણીએ ફેસબુક ઉપર વિડીયો અપલોડ કરી આવા ડિલિવરીમેનથી સાવધાન રહેવા અને વજન કર્યા બાદ જ ગેસનો બાટલો સ્વીકારવા જનતાને અપીલ કરતા ખળભળાટ મચી ગયો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં આવેલ વોર્ડ નંબર -11ના વાડી વિસ્તારમાં રહેતી ભોળી પ્રજાને છેતરવા ગેસ એજન્સીના ડીલેવરીમેન દ્વારા દરેક બાટલામાંથી બે કિલોગ્રામથી લઈને ચાર કિલોગ્રામ ગેસ ચોરી અન્ય બાટલામાં ભરી કાળાબજારીનો ધંધો લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે વોર્ડ નંબર -11ના મહિલા કાઉન્સીલરના ઘેર ગેસનો બાટલો આવતા તેમના પતિ રોહિતભાઇને શંકા જતા બાટલાનો વજન કરતા ચાર કિલોગ્રામ ગેસ ઓછો નીકળ્યો હતો જેને પગલે મારવાડી ડિલિવરીમેનને ઘઘલાવી નાખી પુરા વજનનો બાટલો આપવા જણાવતા તુરત જ બાટલો બદલાવી આપ્યો હતો. વધુમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો ભાજપ અગ્રણી એવા રોહિતભાઈ કણઝારીયાએ ફેસબુક ઉપર અપલોડ કર્યો હતો. જો કે ગ્રાહકોને છેતરતા ડિલિવરીમેનનો વિડીયો વાયરલ થયાના કલાકોમાં આ ઓછા વજનનો બાટલો રોહિતભાઇના કાકાના ઘેર ડીલેવરી કરવામાં આવતા આ મામલે રોહિતભાઈએ લક્કી ગેસ એજન્સીને ફરિયાદ કરી હતી. દરમિયાન બોરિયા પાટી અને જોધાનીવાડી વિસ્તારમાં પણ લોકોને ઓછા વજનના બાટલાની ડીલેવરી થયાની વ્યાપક ફરિયાદ વચ્ચે આજે ઠૂંઠાની વાડીમાં પણ એક ગ્રાહકને રાંધણગેસના બાટલામાં બે કિલોગ્રામ ઓછો વજન મળ્યાની ફરિયાદ ઉઠી હતી. આ મામલે મોરબીની લક્કી ગેસ એજન્સીના સંચાલકનો સંપર્ક કરાતા એજન્સી સંચાલકોએ ડિલિવરીમેનના કરતૂત અંગે ફરિયાદ મળી હોવાનું અને આ ડિલિવરીમેનને રુખસદ આપી દેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.