લિંક પર ક્લિક ન કરવા સૂચના, ડેટા ચોરી અને પ્રાઈવેસી ભંગ થઈ શકે છે મોરબીઃ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઈટન્સે ભવ્ય જીત મેળવી છે. જો કે ગુજરાત ટાઈટન્સની જીત બાદ કેટલાક સાયબર માફિયાઓ આ તકનો લાભ લઈને તમારા ડેટા અને પ્રાઈવેસીની ચોરી કરી શકે છે. હાલ સોશિયલ મીડિયામાં ગુજરાત ટાઈટન્સની જીત બાદ ફ્રી રિચાર્જ આપવાના દાવા સાથેનો એક મેસેજ ફરી રહ્યો છે. આ મેસેજની સાથે એક લિંક આપવામાં આવી છે. આ મેસેજથી સાવધાન રહીને લિંક પર ક્લિક ન કરવું હિતાવહ છે. સાયબર માફિયાઓ દ્વારા આ પ્રકારનો મેસેજ બનાવીને કહેવામાં આવ્યું છે કે, ગુજરાત ટાઈટન્સની જીતની ખુશીમાં ટાટા દરેક ભારતીય યુઝર્સને 599 રૂપિયાનું 3 મહિના માટેનું રિચાર્જ ફ્રી આપવાનો વાયદો કર્યો છે. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને રિચાર્જ કરો.. આ પ્રકારનો મેસેજ લખીને નીચે એક લિંક આપવામાં આવી છે. જો કે હકીકતમાં આ પ્રકારનો મેસેજ ફ્રોડ છે. ટાટા કંપની દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેથી સોશિયલ મીડિયામાં ફરી રહેલા આ પ્રકારના મેસેજથી લોકોને સારધાન રહેવા તાકિદ કરવામાં આવે છે. આ લિંક પર ક્લિક ન કરવું સોશિયલ મીડિયા ઉપભોક્તાઓ માટે હિતાવહ છે. જો લિંક કરવામાં આવશે તો, હેકર્સ દ્વારા તમારો પ્રાઈવેટ ડેટા હેક કરવામાં આવી શકે છે. તમારી પ્રાઈવેસીનો ભંગ થઈ શકે છે અને તમારો મોબાઈલ પણ હેંગ થઈ શકે છે. માટે આ મેસેજને આગળ ફોરવર્ડ ન કરવો અને કોઈ તમને આ મેસેજ મોકલે તો તેના પર ધ્યાન ન આપવું અને લિંક પર ક્લિક ન કરવું.