મોરબી નગરપાલિકાની ગુન્હાહિત બેદરકારીને પાપે અનેક લોકોની મરણ મૂડી ગેરકાયદે બાંધકામમાં અટવાઈ મોરબી : સરકારના જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એટલે કે જીડીસીઆરને મજાક ગણતી મોરબી નગરપાલિકાના પાપે આજે શહેરભરમાં ઠેર-ઠેર ઓનલાઇન કે ઓફલાઈન બિલ્ડીંગ પ્લાન મંજુર કર્યા વગર છડેચોક ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યા છે અને ચીફ ઓફિસર તેમજ પાલિકાના પ્રમુખ સહિતના હોદેદારો અકળ કારણોસર મૂંગામોઢે તમાસો નિહાળતા હોય પ્લાન પાસ કર્યા વગરના કે કંપ્લીશન સર્ટિફિકેટ વગરના આવા ફ્લેટ,મકાન કે દુકાનો જેવા ગેરકાયદે બાંધકામો ખરીદતા અભણ લોકોને આખરે તો પોતાની મરણમૂડી ખોવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે છતાં પણ આ મામલે જિલ્લા સમાહર્તા કલેકટર પણ મૌન છે. ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં નવા બાંધકામો માટે જીડીસીઆર એટલે કે જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનનું ચુસ્ત પણે પાલન કરવા ચોક્કસ નીતિ નિયમો ઘડી કાઢ્યા છે. બીજી તરફ ભૂકંપ પ્રભાવિત જિલ્લામાં આવતા મોરબીમાં 2001 માં ભૂકંપમાં વ્યાપક ખાના ખરાબી થતા અહીં બહુમાળી બાંધકામો માટે કડક નિયમો અમલી બનાવ્યા છે પરંતુ આ નિયમોની અમલવારી કરાવવાની જેમની જવાબદારી છે તેવા નગરપાલિકા તંત્ર દ્વારા પોતાના ફાયદા માટે ગેરકાયદે બાંધકામોને ઉતેજન મળે તેમ કોઈપણ જાતના નિયમોનું પાલન કરાવવામાં આંખ આડા કાન કરવાનું શરૂ કરતા આજે શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોનું જંગલ ઉભું થઇ ગયું છે. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે પોતાની મરણમૂડી ખર્ચી પોતાનું સ્વપ્નનું ઘરનું ઘર ખરીદ કરતા અનેક અભણ અજ્ઞાની લોકોને બિલ્ડીંગ પરમિશન, બિલ્ડીંગ યૂટિલાઇઝેશન પરમિશન શું છે તે ખબર જ નથી હોતી અને લેભાગુતત્વો આવા લોકોના ભોળપણ નો ફાયદો ઉઠાવી પ્લાન મંજુર કરાવ્યા વગરના ગેરકાયદેસર બાંધકામો પધરાવી પોતાનો ફાયદો મેળવી લે છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય મોટાભાગની સરકારી બેંકો હોમ લોન આપતી નથી. આ સંજોગોમાં મોરબીના હિતમાં મોરબી પાલિકાના બહુમતી ભાજપી શાસકોએ પણ આ ગેરકાયદે બાંધકામોનો ખેલ બંધ કરાવી માર્જિન, પાર્કિંગ, એફએસઆઈ મુજબ પ્લાન મંજુર હોય તેવા જ બાંધકામોને મંજૂરી મળી છે કે કેમ તેમ તપાસી ગેરકાયદેસર બાંધકામો તવાઈ ઉતારવી પડશે જે મોરબીના હિતમાં રહેશે.